Connect Gujarat
દેશ

આપણે પડઘા નહીં, પણ અવાજ બનવાનું છે અને અવાજ બનવાનો પ્રારંભ સરદારે કર્યો હતો....

આપણે પડઘા નહીં, પણ અવાજ બનવાનું છે અને અવાજ બનવાનો પ્રારંભ સરદારે કર્યો હતો....
X

આપણે જ્યારે વાંચીએ છીએ, ત્યારે બીજી વ્યક્તિ આપણા વતી વિચારે છે. આપણે માત્ર તેના વાહક બની જઇએ છીએ. જે વ્યક્તિ આખો દિવસ વાંચવા ( અત્યારના સંદર્ભમાં સોશિયલ મિડીયામાં તેમજ ફોર્વડેડ મેસેજમાં) ગાળે છે, તે સ્વતંત્ર વિચારવાની ક્ષમતા ખોઇ દે છે... શોપનહોર

કેમ વાચવું એ જ શીખવો, તો ક્યારેય ક્રાંતિ થશે જ નહિં....

કૃષ્ણ મૂર્તિ

જ્યાં પુસ્તક (સોશિયલ મિડીયા)નો અંત આવે છે, ત્યાંથી જીવનનો પ્રારંભ થાય છે. આપણે પડઘા નહીં, પણ અવાજ બનવાનું છે. અવાજ બનવાનો પ્રારંભ સરદારે કર્યો હતો. જે પ્રજા મોઘલ અને બ્રિટીશ શાશન દરમિયાન ગુલામ માનસિકતા ધરાવતી થઈ હતી, એ પ્રજાને જગાડવાનું કામ ગાંધી એ કર્યું, તો ઉત્સાહ અને પ્રેરણા સરદારે આપ્યાં. નેહરુએ સરદારની શિસ્ત વિશે કહ્યું હતું કે તે સમયે ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં અસંખ્ય નેતાઓ નેતાગીરી કરતાં, પણ ગુજરાતમાં સરદારના આદેશ મુજબ જ નેતૃત્વ બનતું અને શિસ્તબદ્ધ પક્ષ ચાલતો હતો. આ શિસ્તબદ્ધ ગુજરાતને ભારતમાં ભેળવવા સરદારને ઘણી તકલીફો પડી હતી.

અંગ્રેજ શાશન સમયે, આઝાદી પહેલાં અમદાવાદ, ખેડા, ભરુચ, સુરત અને પંચમહાલ ના વિસ્તાર સીધા અંગ્રેજ શાશનનો ભાગ હતાં. આ વિસ્તારનો વહીવટ મુંબઈ રાજ્ય અંતર્ગત થવા લાગ્યો. આ વિસ્તાર તો ભારત સરકાર સાથે આવ્યો. સમસ્યા બાકી વિસ્તારમાં હતી.

આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં અસંખ્ય રજવાડા હતાં, ગુજરાતમાં લગભગ સાઠ હજાર ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલા રજવાડા એકત્રિત કરવા એ બહુ મોટી ચેલેન્જ હતી.

સૌરાષ્ટ્રમાં ચૌદ જેટલા સલામી રાજ્યો હતાં. અંગ્રેજ સરકાર રાજ્યને મોભા, સંપન્ન, વિસ્તાર જેવા કારણોસર અલગ અલગ સંખ્યામાં તોપની સલામી આપતી. સૌરાષ્ટ્રમાં અસંખ્ય રજવાડા હતાં, જેમાં ભાવનગર, જૂનાગઢ, નવાનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, વાંકાનેર, રાજકોટ જેવા ચૌદ સલામી ધરાવતા તો સત્તર બિનસલામી રાજ્યો હતા. જ્યારે ૧૯૧ નાની મોટી જાગીરો હતી. આ તમામને એકત્રિત કરવા સાથે તેમના રાજ્યોમાં આલતી ટપાલ, બંદરો, કાનૂની ગૂંચો, આર્થિક વ્યવહારથી માંડી વાહનવ્યવહાર વગેરેને દેશ સાથે જોડવા એ મોટી ચેલેન્જ હતી. આમ જનતાને તો તરત જ કામો થાય એવી અપેક્ષા હોય જ, આઝાદી પછી તરત જ પ્રજા આંદોલનો શરૂ થયા, સરદાર પટેલે લોકોનો રોષ રોકવા અને વહીવટી સમસ્યા ન થાય એ માટે રાજ્યના પ્રધાનમંડળ બનાવ્યા. આ બધા રાજ્યોમાં સૌથી મોટો વિવાદ જૂનાગઢ ખાતે થયો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાણ કરતાં પ્રજાનો રોષ જાગી ગયો.

જૂનાગઢ સાથે માણાવદરના નવાબ પણ જોડાયા તો સામા પક્ષે માંગરોળના નવાબે ભારત સરકાર સાથે જોડાણ કર્યું. જૂનાગઢ રાજ્યના બાબરિયાવાડના નાગરિકોએ બળવો કરીને ભારત સાથે જોડાણ કર્યું. જૂનાગઢ રાજ્યના લશ્કરે બાબરિયાવાડ પર હુમલો કરવાની તૈયારી કરી તો ભારત સરકારે પોતાના પર હુમલો ગણી પ્રતિકાર કરી આક્રમણ કરવાની તૈયારી કરી. સરદાર જૂનાગઢમાં બનેલી આરઝી હૂકુમત માટે સતત પ્રેરણાદાયી બન્યાં. અંતે તેર નવેમ્બર, 1947 જૂનાગઢ સરદારની હાજરીમાં વિધિવત ભારત સાથે જોડાયું, તો લોકમત પણ ભારતની તરફેણમાં રહ્યો. આ જ દિવસે સરદારે વેરાવળ જઇને નવેસરથી સોમનાથ મંદિર બનાવવાની જાહેરાત કરી. સરદારની સમજદારીથી સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર સહિત અનેક રાજ્યોનો સમાવેશ થયો, જેના કામની પ્રશંસા નેહરુએ પણ કરી હતી. કચ્છ પર પાકિસ્તાન હુમલા કરી શકે છે, પ્રજાને વ્યૂહાત્મક સમજ આપી 1948ની પહેલી જૂને ભારત સાથે જોડી દીધું. મધ્ય ગુજરાતમાં 140 જેટલા રજવાડા ભારતમાં ખાસ કોઈ પણ વિવાદ વિના જોડાઇ ગયાં હતાં. પાલનપુર જેવા રાજ્યમાં મુસ્લિમ શાશક હોવા છતાં કોમી તોફાન પણ થયા ન હતાં. પાલનપુરના છેલ્લા શાશક તાલેમાનખાને અમીરગઢમાં સિમેન્ટ ઉત્પાદન માટે કામ કરવા સાથે રાજ્યની વહીવટી કામો માટે ચુંટણી પણ શરુ કરાવી હતી.

સૌથી પહેલી ભારત સાથે જોડાવાની જાહેરાત કરનાર વડોદરા રાજ્ય એ સરદારની પરેશાની સૌથી વધુ આપી હતી. વડોદરા રાજ્યને સ્વાયત્ત બનાવી ગુજરાતના રાજા તરીકે પ્રતાપસિંહરાવ ગાયકવાડની નિમણૂંક કરવાની માંગ કરવામાં આવી. સરદારે કડક ચેતવણી આપીને પસ્તાવવાનો વારો આવશેનો પત્ર લખ્યો. વડોદરા ધારાસભાએ રાજામાં અવિશ્વાસ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો. ગાયકવાડે પોતાના દીવાન સર બી એલ મિત્રની સલાહ પર પરેશાની વધારી. મેનનની સમજાવટ અને સરદારની અડગતા કામ લાગતા છેક 31 જાન્યુઆરી, 1949ના દિવસે જોડાણ જાહેર કર્યું અને પહેલી મે, 1949થી મુંબઈ રાજ્યમાં સમાવેશ થયો. જો કે સરદારના સ્વપ્નનું ગુજરાત તો 1960માં બન્યું.

Blog by : Deval ShastriDeval Shastri

Next Story