માર્ચ મહિનાથી સુની ભાસતી શાળાઓમાં ચહલપહલ, વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યાં નેતાઓ

0
National Safety Day 2021

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની ભિતિથી માર્ચ મહિનાથી શાળાઓ તેમજ કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. કોરોના વાયરસની વેકસીન શોધાયા બાદ હવે સરકારે શિક્ષણની ગાડી પાટા પર લાવવાનો પ્રયાસ આદર્યો છે. જેના ભાગરૂપે સોમવારથી શાળાઓમાં ધોરણ- 10 અને 12ના વર્ગો તથા કોલેજોમાં અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટના કોર્સ શરૂ કરવામાં આવ્યાં છે. શાળાઓમાં વિદ્યાર્થીઓનું આગમન થતાં શાળા પ્રવેશોત્સવની જેમ ભાજપના નેતાઓ છાત્રોને આવકારવા પહોંચ્યાં હતાં.

માર્ચ મહિનાથી શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓ વિના સુમસાન બની ગઇ હતી. કોરોના વાયરસના કારણે શિક્ષણ પધ્ધતિએ એક નવો મરોડ લીધો હતો. છાત્રો ઘરે રહી ઓનલાઇન શિક્ષણ મેળવતાં હતાં. રાજય સરકારે સોમવારના રોજથી ધોરણ -10 અને 12ના વર્ગો શરૂ કરવાની મંજુરી આપી હતી. રાજયની માધ્યમિક શાળાઓમાં સોમવારથી શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો. હવે વાત કરીએ મધ્ય અને દક્ષિણ ગુજરાતની.

ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે સજજ બની હતી. લાંબા વિરામ બાદ શાળાઓ શરૂ થતી હોવાથી ભાજપના નેતાઓ છાત્રોને આવકારવા માટે વિવિધ શાળાઓ ખાતે પહોંચી ગયાં હતાં. વિદ્યાર્થીઓએ પણ એક નવા અને બદલાયેલાં માહોલમાં શિક્ષણકાર્યનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકરે કોવીડ-19ને અનુલક્ષી શાળામાં કરાયેલી તૈયારીઓની માહિતી આપી હતી.

હવે નજર કરીશું સુરત શહેર પર…સુરત શહેર સહિત જિલ્લાની સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાઓ મળી કુલ 919 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થઈ ગયું છે. ધોરણ 10 અને 12ના મળી કુલ 1.58 લાખ બાળકો હવે શાળાઓમાં જઇને શિક્ષણકાર્ય મેળવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને શાળામાં તકેદારીના પુરતા પગલાં ભરવામાં આવ્યાં હતાં. એક વર્ગ ખંડમાં 30 વિદ્યાર્થીઓ બેસી શકે તથા દરેક છાત્ર માસ્ક પહેરીને આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. વર્ગો શરૂ કરતાં પહેલાં શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી સંમતિ પત્ર મંગાવ્યો હતો. જે વાલીઓ તેમના બાળકોને શાળામાં મોકલવા તૈયાર નથી તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.. તો બીજી તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં પણ ફરી ધમધમતી થઇ હતી.

હવે વાત કરીશું સંસ્કારી નગરી વડોદરાની.. વડોદરાની શાળાઓમાં ધોરણ- 10 તથા 12ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યાં છે પણ પ્રથમ દિવસે શાળાઓમાં છાત્રોની પાંખી હાજરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓના શરીરના તાપમાનની માપણી કરી તેમજ હેન્ડ સેનેટાઇઝર લગાવ્યાં બાદ જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધારે હોવાથી હજી વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવામાં ખચકાટ અનુભવી રહયાં હોય તેમ લાગી રહયું છે.

આણંદ જિલ્લામાં શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે ૩૪૨ જેટલી શાળાઓમાં 60 થી 65 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાય હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ 7 ટીમો બનાવી શાળાઓમાં કોવીડ-19ની ગાઇડલાઇન સંદર્ભમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેની ચકાસણી કરવામાં આવી હતી. વર્ગખંડમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે પ્રકારે બેઠક વ્યવસ્થા કરાઇ હતી. પ્રથમ દિવસે મુખ્ય ચાર વિષયોના વર્ગો લેવામાં આવ્યાં હતાં. કોરોનાથી બચીને અભ્યાસ કેવી રીતે કરવો તેની જાણકારી છાત્રોને અપાઇ હતી.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં દાહોદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવની જેમ નેતાઓની હાજરીમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો હતો. માર્ચ મહિનાથી ઘરે રહેલાં વિદ્યાર્થીઓ શાળાએ આવ્યાં બાદ ખુશીનો અનુભવ કરતાં જોવા મળ્યાં હતાં. કોરોનાના કારણે માસ્ક પહેરીને શાળાએ આવવું, એક બેન્ચીસ પર એક છાત્રએ બેસવું સહિતના નવા અનુભવો વિદ્યાર્થીઓએ કર્યા હતાં.

હવે વાત કરીશું સૌરાષ્ટ્રની…. જામનગરમાં શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયમાં રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા ( હકુભા )ની હાજરીમાં વિદ્યાર્થીનીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાભરમાં ધોરણ 10 અને 12 ના 21 હજાર નોંધાયેલાં છે. જેમાં 8 હજાર જેટલા છાત્રોનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા મહિનાઓથી સુમસાન બનેલી શાળાઓમાં વિદ્યાર્થીઓના આવવાના કારણે રોનક ફરી પાછી ફરી હતી.

રાજયના અન્ય શહેરોમાં પણ સોમવારના રોજથી ધોરણ -10 અને 12ના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય અગાઉ સરકારે કોવીડ-19ની ગાઇડ લાઇન મુજબ શાળાઓ શરૂ કરવાની મંજુરી આપી હતી. શાળા સંચાલકોએ ગાઇડલાઇન અનુસાર શાળાઓમાં તમામ તૈયારીઓ પુરી કરી દીધી હતી. ભાવનગર, અમરેલી, ખેડા અને જુનાગઢમાં પણ નવા માહોલ વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here