ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ થશે પુનઃ શરૂ, SOP પ્રમાણે ધો-9થી 12ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણમંત્રીની જાહેરાત

0

કોરોના બાદ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં દિવાળી બાદ રાજ્યમાં શાળાઓને પુનઃ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓને પુનઃ ધમધમતી કરવામાં આવશે. જેમાં ધોરણ 9થી 12ના વર્ગોને SOP પ્રમાણે શરૂ કરાશે. જ્યારે કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ ધોરણ 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. જેમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. તો સાથે કોલેજોમાં પણ 23 નવેમ્બરથી તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરા મેડીકલના વર્ગ શરૂ થશે. તો સ્નાતક કક્ષાએ પણ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે. કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ આપવામાં આવશે. જોકે વાલી મંડળના પ્રમુખે રાજ્ય સરકારના નિર્ણયને જોખમી ગણાવ્યો છે. સ્કૂલ-કોલેજ ખોલતા પહેલા સરકારે ત્યાં યોગ્ય સુવિધા છે કે, નહિ તેની તપાસ કરવી જોઈએ અને શક્ય બને તો ઓડ ઇવન પદ્ધતિ દાખલ કરવી જોઈએ. નહીંતર આ નિર્ણય દરેક પરિવાર માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દિવાળી બાદ શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં 105 દિવસનું પહેલું સત્ર જૂન મહિનામાં શરૂ થાય છે આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે, પરંતુ બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના 5 મહિના મતલબ કે, મેના અંત સુધી શાળામાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન 2 અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here