Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ શહીદ જવાના જનાજામાં વીર શહીદ આરીફ અમર રહો, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

વડોદરાઃ શહીદ જવાના જનાજામાં વીર શહીદ આરીફ અમર રહો,  હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા
X

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા મહંમદ આરીફનો જનાજો તેમના ઘરેથી નીકળ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ જવાના જનાજામાં દેશ ભક્તિના ગીતોની સાથે વીર શહીદ આરીફ અમર રહો, હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.

દેશભક્તિના ગીતોથી નવાયાર્ડ વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. આ સમયે કોમી એખલાસતાના અદભૂત દ્રશ્યો પણ સર્જાયા હતા. હિન્દુ-મુસ્લિમોએ સાથે મળીને પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ શહીદ જવાનના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

નવાયાર્ડ સ્થિત શહીદ જવાનથી ઘરથી લઇને ગોરવા ખાતે આવેલા કબ્રસ્તાન સુધી શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. શહીદ આરીફને ઇમામ દ્વારા ગુસલ(સ્નાન) કરાવવામાં આવ્યું હતું. વીર શહીદ આરીફની અંતિમયાત્રામાં ચિસ્તીયા મસ્જિદ ખાતે જુમ્મા મસ્જિદના ખાન કાહે એહલે સુન્નતના સજ્જાદ નસીમ અઝરત પીર સૈયદ મોઇનુદ્દીન બાબા દ્વારા શહીદ જવાન આરીફ પઠાણના જનાજાની નમાજ પઢાવશે. અને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ગોરવા ખાતે દફનવિધિ મરહુમ જવાન આરીફની દફનવિધિ કરવામાં આવશે.

શહીદ આરીફના પિતાએ સફીઆલમખાન પઠાણ જણાવ્યું હતું કે, મારો પુત્ર દેશની રક્ષા કરતા કરતા શહીદ થયો છે. પુત્ર ગયો તેનું મને દુઃખ છે મારો સૌથી લાડકવાયો પુત્ર હતો. હું આંખો બંધ કરીને જુના સંસ્મરણો યાદ કરૂ છું. ત્યારે મને તેની દેશ પ્રત્યેની વાતો અને ભાવના યાદ આવી રહી છે. મારો પુત્ર શહીદ થયો તેનું મને ગૌરવ પણ છે. હું બીજા પુત્રોને પણ આર્મીમાં મોકલવા માટે તૈયાર છું.

  • સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં પાર્થિવ દેહ મૂકાયો હતો

મંગળવારે દિલ્હીથી ઇન્ડિગો ફ્લાઇટમાં ભારતીય આર્મી દ્વારા રાત્રે લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પરિસર ખાતેના 100 ફૂટ ઊંચા ત્રિરંગા પાસેના શહીદ સ્મારક પાસે રાત્રે 9.25 મિનિટે આર્મીના વાહનમાં શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે ‘દેખો દેખો કૌન આયા, શેર આયા શેર આયા’ના સૂત્રો લલકાર્યા હતા. ત્યારબાદ આર્મીના જવાનો દ્વારા તેમને લશ્કરી સન્માન વિધિ રેથલિંગ યોજવામાં આવી હતી. શહીદ મહંમદ આરીફના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લવાયા બાદ શહીદ સ્મારક પાસે મૂકાયો હતો. જ્યાં વિરોચિત સન્માન અપાયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને એસએસજીના કોલ્ડરૂમમાં લઇ જવામાં આવ્યો હતો. આ માટે બપોરે જ મકરપુરા એરફોર્સના અધિકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે આવીને કોલ્ડરૂમ અને વાહન ક્યાંથી એન્ટ્રી લેશે તેની ચકાસણી કરી ગયા હતા.

  • અંતિમ યાત્રા સમયે પોલીસની ચુસ્ત બંદોબસ્ત

આજે બુધવારે સવારે શહીદ આરીફ પઠાણની અંતિમ યાત્રા માટે પોલીસ દ્વારા પુખ્ત તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અંતિમ યાત્રાના રૂટ પર 2 ડીસીપી, 4 એસીપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ અને 300થી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા છે.

Next Story
Share it