Connect Gujarat
ગુજરાત

શિનોર: ઇધરા શાખામાં ખેડૂતો દ્વારા સુધારા હુકમની અરજીઓ નિકાલ ન કરાતા ખેડૂતોમાં રોષ

શિનોર: ઇધરા શાખામાં ખેડૂતો દ્વારા સુધારા હુકમની અરજીઓ નિકાલ ન કરાતા ખેડૂતોમાં રોષ
X

શિનોર મામલતદાર કચેરી ખાતે આવેલ ઇ ધરા શાખામાં ખેડૂતો દ્વારા સુધારા હુકમની અરજીઓ છેલ્લા ૧૩ માસ ઉપરાંત થઈ ગયા હોવા છતાં અરજીઓનો નિકાલ ન કરવામાં આવતા શિનોર તાલુકાના ખેડૂત અરજદારોમાં ભારે રોષ.

વડોદરા જિલ્લામાં આવેલો શિનોર તાલુકો ખેતી પ્રધાન તાલુકા તરીકે વિકસિત છે અને મોટા ભાગના પરિવારો ખેતી પર જ પોતાનું ગુજરાન ચલાવે છે અને ઉનાળાની અગન ગોળાથી પણ ભયંકર ગરમીમાં પરસેવાથી રેબજેબ થઈને પોતાના પાકનું ઉત્પન્ન મેળવે છે. શિનોર તાલુકામાં આવેલ તમામ ગામોમાં જમીન બાબતની તમામ કામગીરી અર્થે શિનોર ખાતે જવું પડે છે પરંતુ મામલતદાર કચેરીમાં આવેલ ઇ ધરા શાખામાં ચાલતી લાલીયાવાડીના કારણે જેને જગતનો તાત કહેવાય છે એવા ખેડૂતોને ભારે હાડમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર મામલતદાર કચેરીમાં આવેલ ઇ ધરા શાખા ખાતે સમગ્ર શિનોર તાલુકામાંથી ખેડૂત અરજદારો જમીનના કટિયામાં સુધારા હુકમ કામગીરી અર્થે પોતાનું કામકાજ છોડીને આવે છે પરંતુ ઇ ધરા શાખાની કામગીરી કરવામાં ચાલતી લાલીયાવાડીના કારણે ખેડૂત અરજદારો દ્વારા કરવામાં આવેલ અરજીઓનો ૧૨ માસથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારી તિજોરીમાંથી પગાર લઈને ધીંગામસ્તી કરનારા આળસુમય અધિકારીઓના કારણે હજુ પણ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા ૧૨ માસથી શિનોર મામલતદાર કચેરીમાં આવેલી ઇ ધરા શાખામાં અરજદારો ધરમ ધક્કા ખાવા મજબુર બન્યા છે તેમ છતાં જાડી ચામડીના બની બેઠેલા આળસુમય અધિકારીઓનું પેટ નું પાણી હાલતું નથી લેતું જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બનવા પામી છે અને બાર માસથી મામલતદાર કચેરી ખાતે ધરમ ધક્કા ખાવા મજબુર બનેલા ખેડૂત અરજદારો દ્વારા જિલ્લા કલેકટર પાસે છેલ્લા ૧૨ માસથી પણ વધુના સમયથી શિનોર મામલતદાર કચેરીમાં ધૂળ ખાતી અરજીઓનું વહેલી તકે નિકાલ કરવામાં આવે એવી ખેડૂત અરજદાર દ્વારા માગણી કરવામાં આવી હતી.

શિનોર મામલતદાર કચેરી ખાતે શિનોર તાલુકાના તમામ ગામોમાંથી આવક અને જાતિના દાખલ સહિતની કામગીરી અર્થે આવતા હોવા છતાં પણ મામલતદાર કચેરી ખાતે પાણી પીવા માટે ની કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા જોવા મળતી નથી ઉનાળાના ધોમધખતા તાપમાં અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મામલતદાર કચેરીમાં અરજદારો માટે સુવિધા નામે મીંડું દેખાઈ રહ્યું છે એટલે ચોક્કસ કહી શકાય કે શિનોર મામલતદાર કચેરી અરજદારો ની અરજીઓની નિકાલની વાત હોય કે અરજદારો માટે બેસવાની સહિતની તમામ સુવિધાઓ બાબતે નિષ્ફળ નીવડી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે છેલ્લા ૧૨ માસથી શિનોર મામલતદાર કચેરીમાં ધૂળ ખાઈ રહેલી ખેડૂતોની અરજીઓનો નિવેડો લાવે છે કે પછી મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપની નીતિ અપનાવે છે તે જોવું રહ્યું.

Next Story