Connect Gujarat
Featured

કંગના રનૌત પર શિવસેના એક પછી એક વાર કરી રહી છે, હવે કરી પોલીસ ફરિયાદ

કંગના રનૌત પર શિવસેના એક પછી એક વાર કરી રહી છે, હવે કરી પોલીસ ફરિયાદ
X

કંગના રનૌત હાલમાં ખૂબ ચર્ચામાં છે. મુંબઈને લઈને નિવેદન બાદ મુંબઇકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિવસેના અને કંગના રનૌત સતત આમનેસામને છે. કંગનાને સુરક્ષા મળ્યા બાદ શિવસેનાએ હવે તેની ઓફિસને ગેરકાયદેસર ગણાવી નોટિસ ચોંટાડી છે તો બીજી તરફ શિવસેનાનું આઇટી સેલ કંગના વિરુદ્ધ પોલીસ સ્ટેશન પહોંચ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનૌત સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહી છે. તેણે મુંબઈને પાક અધીકૃત કાશ્મીરનું નિવેદન કર્યા બાદ મામલો રાજનીતિક લેવલે વધુ ઉગ્ર બની ગયો છે. કંગના રનૌતને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ કંગનાની મુશ્કેલીમાં ઔર વધારો થયો છે. પહેલા મુંબઈ નગરપાલિકા દ્વારા કંગનાની ઓફિસ પર રેડ કરાઇ તો બીજી તરફ શિવસેનાના કાર્યકરોએ કંગના વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે.

શિવસેનાના આઈટી સેલ દ્વારા થાણાના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં કંગના રનોત સામે ફરિયાદ કરવામાં આવી છે. આઇટી સેલે માંગ કરી છે કે કંગના વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે. કેમ કે, તેણે મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સાથે કરી છે. પોલીસ આ માંગ અંગે કાયદાકીય અભિપ્રાય માંગી રહી છે.

બીજી તરફ, બીએમસીએ આજે કંગનાની ઑફિસમાં ગેરકાયદે બાંધકામોની નોટિસ ચોંટાડી દીધી છે. ખુદ કંગનાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું, "સોશ્યલ મીડિયા પર મારા મિત્રોએ બીએમસી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, તેથી તેઓ આજે બુલડોઝર લઈને નથી આવ્યા પરંતુ, ઓફિસમાં નોટિસ ચોંટાડી દીધી. મિત્રો મારા માટે મોટો ખતરો હોઈ શકે છે, પણ તમારો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. "

Next Story