Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર-વઘઈમાં ૪ ઈંચ વરસાદ : ૧૧ ગામ સંપર્ક વિહોણા!

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર-વઘઈમાં ૪ ઈંચ વરસાદ : ૧૧ ગામ સંપર્ક વિહોણા!
X

દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં ૪ ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અંબિકા, ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ડાંગમાં ભારે વરસાદના પગલે ૧૧ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદના પગલે નદીઓના જળ સ્તર વધી રહ્યા છે.

ઉકાઈ ડેમની સપાટીમાં ભારે વધારો થવાની સંભાવના

સમગ્ર ભારતમાં રચાયેલી વરસાદી સિસ્ટમને કારણે સોમવારથી ગુજરાત અને મધ્યભારતમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે. જેના કારણે ૧,૨૯,૩૪૧ ક્યુસેક પાણીનો આઉટફ્લો ઉકાઈ ડેમમાં ઠલવાશે. આ ઉપરાંત સારંગખેડા અને પ્રકાશ બેરેજના દરવાજા ખોલાતા ૭૬૦૨૮ ક્યુસેક પાણી છોડાયું છે. જેથી ઉકાઈ ડેમની સપાટીમાં ભારે વધારો થવાની સંભાવના છે. જ્યારે સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અને જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

  • ડાંગમાં ભારે વરસાદથી ૧૧ ગામો સંપર્કવિહોણા

છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઈમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદી બંને કાંઠે ધસમસતા વહેણ વહેતા થતા કેચમેન્ટ એરિયામાં આવતા ૧૧ ગામો સંપર્કવિહોણા થવા સાથે જનજીવન પર માઠી અસર પહોંચી છે. અંબિકાએ રૌદ્ર રૂપ ધારણ કરતા કેચમેન્ટ એરિયામાં આવતા નડગચોંડ, ઘોડવહળ, સુપદહાડ, આહેરડીથી બોરદહાડ, નાનાપાડાથી કુમારબંધ તેમજ ખાપરી નદીના કેચમેન્ટમાં આવેલા સતીવાંગણ-કુત્તરનાચ્યા, બોરખલ-ગાયખાસ-ચવડવેલ, બોરખલ-લીંગા તેમજ પૂર્ણા નદીના કેચમેન્ટમાં આવેલા કાકડવિહિર-ખેરીન્દ્રા, ગોવ્હાણ-જામનગોંડા તેમજ ગીરા નદીના ધુલદાથી ગીરમાળને જોડતા કોઝ વે નદીના ધસમસતા પૂરમાં ગરક થઈ જતા લોકો ઘરમાં જ પુરાઈ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

  • વલસાડની ઔરંગા નદી બે કાંઠે

વલસાડ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુરમાં ૪ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે.જેને લઇ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના દ્રશ્યો ફરીથી જોવા મળ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તાન અને ઔરંગા બે કાંઠે વહી રહી છે. આખો દિવસ વાદળો છવાયેલા રહેવા સાથે વરસાદ સમયાંતરે પડતાં વર્ષાઋતુનું ઠંડુ વાતાવરણ અકબંધ રહ્યું હતું.

  • હવામાન વિભાગ દ્વારા આગામી24 કલાક ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ધરમપુરમાં ૯૬ મીમી, વઘઈમાં ૯૪ મીમી, ઉમરપાડામાં ૭૫ મીમી, માંડવીમાં ૬૩ મીમી, માંગરોળમાં ૫૭ મીમી, વ્યારામાં ૫૬ મીમી, વાલોડમાં ૪૯ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદની સંભાવના દર્શાવાઈ છે.

Next Story
Share it