સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં આવી મેહુલિયાની સવારી, જુઓ કેવો છે માહોલ

0

સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં પોતાની મહેર વરસાવી રહયાં છે. દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આગાહીના પગલે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં મંગળવારના રોજ છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યાં હતાં. વરસાદથી બચવા માટે રાહદારીઓ અને વાહનચાલકો છત્રી અને રેઇનકોટ સાથે નજરે પડયાં હતાં. વરસાદના કારણે માર્ગો ભીંજાયા હતાં.

ભાવનગરની વાત કરવામાં આવે તો શહેર તથા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોની હાલાકી વધી હતી. પાલિકાની પ્રી મોનસુન કામગીરીના વરસાદે ધજાગરા ઉડાવી દીધાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here