Connect Gujarat
સ્પોર્ટ્સ

નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, ડાયમંડ લીગ ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સતત સારું પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી

નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, ડાયમંડ લીગ ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
X

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સતત સારું પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા હાંસલ કરી હતી.

ઝ્યુરિચમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેણે 88.44 મીટર દૂર બરછી ફેંકી અને હરીફ ખેલાડીઓ પર સરસાઈ મેળવી લીધી. નીરજે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર, ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.

ડાયમંડ લીગની ફાઇનલમાં, ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા અને જર્મનીના જુલિયન વેબર (83.73) ત્રીજા ક્રમે આવ્યા હતા. નીરજે 2021માં ઓલિમ્પિક ગોલ્ડ, 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની ઈચ્છા ડાયમંડ ટ્રોફી જીતવાની હતી જે હવે પૂરી થઈ છે.

Next Story