એન્જીનિયરિંગના ચાર વિદ્યાર્થીઓએ માલેતુજારોના શોખની ગો-કાર્ટ ગાડી બનાવ્યા બાદ ગોંડલમાં કારખાનું સ્થાપ્યું.

એક જમાનો હતો કે, ગો-કાર્ટ માત્ર અમેરિકા, કેનેડા અને યુરોપીયન દેશોના રેસિંગ ટ્રેકો પર જ દોડતી હતી અને ભારતીયો માત્ર ટીવીની સ્પોર્ટસ ચેનલમાં ગો-કાર્ટ રેસ જોઈને રોમાંચ અનુભવતા હતા. પરંતુ, બદલાતા સમય સાથે ભારતમાં પણ ગો-કાર્ટ રેસિંગ શરુ થતાં આવી રેસ હવે સામાન્ય જનતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી થઈ છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં હવે ગો-કાર્ટનું નિર્માણ શક્ય બન્યુ છે.

હાલમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરામર્શ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં આજે વિદ્યાર્થીઓના એન્જોયમેન્ટ માટે એક ફ્રેન્ડલી ગો-કાર્ટ રેસ યોજાઈ હતી. જેમાં રેસિંગ ટ્રેકથી માંડીને ચાર ગો-કાર્ટની વ્યસ્થા રાજકોટના એક યુવાને કરી હતી. રાજકોટના આ યુવકનું નામ હતુ રાહુલ રાઠોડ.

ગો-કાર્ટ વિષે માહિતી આપતાં રાહુલે જણાવ્યુ હતુ કે, રાજકોટની એક એન્જીન્યરિંગ કોલેજમાં તે અભ્યાસ કર્યો હતો. જેના ફાઈનલ યરના પ્રોજેક્ટમાં તેણે બીજા ત્રણ મિત્રો સાથે એક ગો-કાર્ટ બનાવી હતી. આ પ્રોજેક્ટ એટલો સફળ થયો કે, એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમે ચારે મિત્રોએ ફરી એકવાર એક લાખ રુપિયા ખર્ચીને બીજી એક ગો-કાર્ટ બનાવી હતી. ત્યારપછી અમે તેને વેચવા માટે ચેન્નાઈના રેસરોનો કોન્ટેક્ટ કર્યો હતો અને થોડા પ્રયત્નો બાદ રેસરો તેને ખરીદવા તૈયાર થઈ ગયા હતા.

આ અમારી પહેલી કમાણી હતી જેને અમે બીજી ગો-કાર્ટ બનાવવામાં ખર્ચી નાંખી હતી. ત્યારપછી અમે ગોંડલમાં એક કારખાનુ ઉભુ કર્યું હતુ. જ્યાં ચારે એન્જીનિયર મિત્રો અને દસ કારીગરો મળીને 14 જણાનો સ્ટાફ હતો. કારીગરો અમારી દેખરેખ હેઠળ ગો-કાર્ટ બનાવતા ગયા અને ધીરેધીરે ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોના રેસરો અથવા કારના શોખિનો અમારો સંપર્ક કરતાં ગયા, અમને ઓર્ડર આપતા ગયા..આમ ધીરેધીરે સમગ્ર ભારતમાં અમારી કંપનીનું નામ આગળ વધતુ ગયુ. હાલમાં એવી સ્થિતી છે કે, અમારી પાસે દર મહિને ત્રણથી ચાર ગો-કાર્ટ બનાવવાનાં ઓર્ડર છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અત્યાર સુધી અમારી પાસે પ્રોફેશનલ ટ્રેક રેસ માટેની ગો-કાર્ટ બનાવવાના ઓર્ડર હતા પણ હવે, ઓફ રોડિંગ માટેની ગો-કાર્ટના ઓર્ડર પણ શરુ થયા છે અને કોલેજના પ્રોજેક્ટ માટે બનેલી ચાર વિદ્યાર્થીઓની ટીમ અત્યારે દેશભરના રેસરો તથા કાર શોખિનો માટે ગો-કાર્ટ બનાવી રહી છે. ઉપરાંત, રેસિંગના શોખીનો માટે ગો-કાર્ટ રેસ ઓર્ગેનાઈઝ પણ કરે છે.

LEAVE A REPLY