Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પુષ્પાંજલિ અર્પતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પુષ્પાંજલિ અર્પતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
X

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંર્પણ કરી ભાવવંદના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સવારે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના હેલીપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, રેન્જ આઇજી અભય ચૂડાસમા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સહિતના મહાનુભાવોએ ઉપરાષ્ટ્રપતિનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હેલીકોપ્ટરમાં ઉપરાષ્ટ્રપતિની સાથે આ પ્રવાસમાં આવી પહોંચ્યા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવી પહોંચતા જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. મ્યુઝીયમમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ રસપૂર્વક નિહાળ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાત દરમિયાન માધ્યમકર્મીઓ સાથે સંવાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજની આ મુલાકાતથી તેઓશ્રી ખુશી વ્યક્ત કરી પોતાને ધન્ય મહેસુસ કરી રહ્યાં હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની આ ૧૮૨ મીટરની ઉંચી પ્રતિમા એક એકીકૃત ભારત અસ્તિવમાં લાવવા માટેના સરદાર વલ્લભભાઇ પટેલના દ્રષ્ટિકોણ અને સંકલ્પનું સ્મારક છે. તેઓશ્રી સરદાર પટેલ સાહેબના બાળપણી ચાહક રહ્યાં છે અને તેઓના અભ્યાસકાળથી જ સરદાર સાહેબને ઇતિહાસમાં ઉચિત સ્થાન મળવું જોઇએ તેવી ભાવના રહેલી હતી અને તેમના મંત્રીપદના કાર્યકાળ ઉપરાંત વિવિધ રાજકીય હોદ્દાઓના કાર્યકાળ દરમિયાન પણ સરદાર સાહેબ માટે કંઇક કરવું જોઇએ તેવી ભાવના સતત ગુંજ્યા કરતી હતી, તેને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાંથી ખેડૂતો પાસેથી ખેત ઓજારોનું લોખંડ એકત્ર કરીને અહીં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું સ્મારક સ્વરુપે નિર્માણ કરતાં ઉક્ત ભાવનાને પરિપૂર્ણ કરી છે, જે અવિસ્મરણીય બની રહેશે.

કેવડિયામાં આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને, 'સંપૂર્ણતાની' લાગણી અને 'મન અને આત્માની એકતા'ની ભાવનાથી હું પ્રભાવિત થયો છું અને 'ભારતીયની આંતરિક ભાવના' થી પ્રેરિત થયો છું, તેમ જણાવી તેમણે આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે પ્રધાનમંત્રીશ્રીની પહેલને બિરદાવી હતી.

ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ તેમની આજની ઉક્ત મુલાકાત નોંધમાં દેશ વિદેશના લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ભારતના ઇતિહાસ અને મહાન દેશના આ મહાન સપૂતની જીવન ગાથાથી પરિચિત થઇ પ્રેરણા લેવી જોઇએ એમ નોંધ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ ટૂંકા સમયમાં પ્રતિમા નિર્માણનું કાર્ય પુરૂં કરવા બદલ આ ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર શ્રમિકથી લઇને તકનીકી ઇજનેરો સહિત સૌ કોઇને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

Next Story