Connect Gujarat
દેશ

ગણેશ ઉત્સવમાં કેમ સંભળાય છે ‘ગણપતિ બપ્પા મોરયા’? અહીં વાંચો તેનું તથ્ય

ગણેશ ઉત્સવમાં કેમ સંભળાય છે ‘ગણપતિ બપ્પા મોરયા’? અહીં વાંચો તેનું તથ્ય
X

મહારાષ્ટરનાં પૂના નજીક આવેલા એક ગામનાં વ્યક્તિ સાથે એવું તે શું થયું જેથી કહેવાયા મોરયા.

ભરૂચ જિલ્લા સહિત દેશભરમાં ગઈકાલ 13 સપ્ટેમ્બરથી શ્રીજી ભક્તોના ઘરમાં બિરાજ્યા છે. 10 દિવસના આ ગણેશ ઉત્સવમાં ચારે કોરથી એક જ અવાજ સંભળાતો હોય છે. ‘ગણપતિ બપ્પા મોરયા’. ગણપતિ બપ્પાની સાથે 'મોરયા' શબ્દ શા માટે બોલવામાં આવે છે? તેની સાથે જોડાયેલી છે આ કથા.

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સિવાય આ વાત બહું ઓછા જ લોકો જાણતા હશે. ગણપતિ બપ્પા સાથે મોરયા શબ્દ ક્યાંથી જોડાયો તેની પાછળની કહાની 600 વર્ષ જૂની છે.

મહારાષ્ટ્રના પૂનાથી 15 કિમી. દૂર વસેલા એક ગામ ચિંચવાડાની આ કહાની છે. 1375માં જન્મેલા મોરયા ગોસાવી નામના એક વ્યક્તિ ભગવાન ગણેશના પરમ ભક્ત હતા. જે દર ગણેશ ચતુર્થીએ ચિંચવાડાથી આશરે 95 કિમી. દૂર આવેલા મોરપુરના મયુરેશ્વર ગણપતિ મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. આ મંદિર મહારાષ્ટ્રના અષ્ટ વિનાયક મંદિરોમાંનું એક છે.

એવું કહેવાય છે કે, 117 વર્ષની ઉંમર સુધી મોરયા નિયમિતપણે મયૂરેશ્વર મંદિર જતા હતા. પરંતુ પછી વધુ નબળાઈ અને વૃદ્ધાવસ્થાના કારણે તેનું જવું શક્ય નહોતું. આ કારણે મોરયા ગોસાવી કાયમ દુઃખી રહેતા. એક વખત ભગવાન ગણેશે તેને દર્શન આપ્યાં અને કહ્યું કે કાલ જ્યારે તું સ્નાન કરીશ, તો સ્નાન પછી હું તને દર્શન આપીશ.

આગલા દિવસે ચિંચવાડાના કુંડમાં મોરયા ગોસાવી સ્નાન કરવા ગયા. કુંડમાંથી જ્યારે ડુબકી લગાવીને નીકળ્યા તો તેના હાથમાં ભગવાન ગણેશની જ એક નાનકડી મૂર્તિ હતી. ભગવાને દર્શન આપી દીધા. આ મૂર્તિને મોરયા ગોસાવીએ મંદિરમાં સ્થાપિત કરી દીધી અને પછી તેની સમાધિ પણ ત્યાં જ બનાવવામાં આવી. તેને મોરયા ગોસાવીના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. ગણપતિ સાથે અહીં મોરયા ગોસાવીનું નામ એવી રીતે જોડાયેલું છે કે અહીં લોકો એકલા ગણપતિનું નામ નથી લેતા, તેમની સાથે મોરયા ગોસાવીનું નામ જરૂર જોડે છે. પુણેના આ કામથી ગણપતિ બપ્પા મોરયા બોલવાની શરૂઆત થઈ, જે આજ દિવસ સુધી આખા દેશમાં ગૂંજે છે.

Next Story