Connect Gujarat
ગુજરાત

સુરતમાં કરો દર્શન વિશ્વના સૌથી મોટા પારદ શિવલિંગના...!!!

સુરતમાં કરો દર્શન વિશ્વના સૌથી મોટા પારદ શિવલિંગના...!!!
X

આ શિવલિંગ ગુજરાતનું સૌથી સુંદર અને આકર્ષક પારાનું શિવલિંગ છે.

સુરતમાં શ્રાવણ મહીનાની ભાવવવિભોર ઉજવણી ચાલી રહી છે. સુરતના હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં પારાના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. ૨૩૫૧ કિલોના દિવ્ય અલભ્ય પારદ શિવલિંગના દર્શન કરવા શિવાલયમાં ભક્તોની હોડ લાગી છે. આ શિવલિંગ ગુજરાતનું સૌથી સુંદર અને આકર્ષક પારાનું શિવલિંગ છે.

પવિત્ર શ્રાવણની રોનક સાથે જ શહેરના શિવાલયોનો મહિમા પણ શિવભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે હજીરા રોડ પર પાલ નજીક આવેલા અટલ આશ્રમમાં હાજર દિવ્ય અને અલભ્ય પારદ શિવલિંગની વાત કેવી રીતે ભૂલાઇ! અટલ આશ્રમમાં અધધધ ૨૩૫૧ કિલો વજનનું વિશાળ પારદ શિવલિંગ સ્થાપિત કરાયું છે. ગુજરાતના સૌથી સુંદર અને આકર્ષક પારાના શિવલિંગની એક ઝલક માટે અહીં વાર તહેવારે ભક્તોમાં હોડ જામે છે.

અટલ આશ્રમના બટુકગીરી બાપુએ જણાવ્યું હતું કે, પારદ એટલે કે પારાના શિવલિંગનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. પારદ જ્યોતિલિંગના સ્પર્શ માત્રથી મોક્ષ પ્રાપ્તિ થતી હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. ગુરુઋણ અને કર્મભૂમિનું ઋણ ચૂકવવા અહીં અટલ આશ્રમમાં જનકલ્યાણ અર્થે ગુરુ મહાદેવ બાપુની પ્રેરણાથી ૫૧ કિલોના પારદ શિવલિંગનું નિર્માણ કર્યુ હતું. જોકે, અનેક ભક્તોની મનોકામના સિદ્ધ થતાં ૧ હજાર કિલોગ્રામના પારદ શિવલિંગના નિર્માણનો સંકલ્પ કરાયો હતો.

ત્યાર બાદ ભક્તોના અદમ્ય ઉત્સાહ અને સહકારથી વિશાળ પારદ શિવલિંગનું નિર્માણ શક્ય બન્યું હતું. અહીં નાભી સાથે ૨૩૫૧ કિલોનું વિશાળ પારદ શિવલિંગ આવેલું છે. શિવની નાભી એટલે કે શિવલિંગની અંદરથી એક ૩ ઇંચનો પિત્તળનો પાઇપ અને નીચે એક નાની ઘંટડી લગાવી બોરિંગમાં ઊંડે ઉતારાયો છે.૪૫ ફૂટ ઊંડે પાણીનો સ્પર્શ થાય એ રીતે તાંબાનો તાર ઉતારાયો છે. તેમાં પિત્તળની પાઇપનું વજન ૬૦૦ કિલો છે. તે સાથે કુલ ૨૩૫૧ કિલોનું પારદ શિવલિંગ સ્થાપિત કરાયું છે.

  • પારદ શિવલિંગના દર્શન માત્રથી પાપોનો નાશ થતો હોવાનો મહિમા

શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું અનેરું મહાત્મ્ય દર્શાવાયું છે. પારદ શિવલિંગના દર્શન માત્રથી પૂર્વ જન્મના પાપો નાશ પામે છે. તથા સૌભાગ્યનો ઉદય થાય છે એવી લોકવાયકા છે. સામાન્ય રીતે પારદને શુદ્ધ કરવો ખૂબ જ કઠિન છે. ર્મૂછિક્ત, ખેચરિત, કીલિત, શંભુબીજિત, શોધિત જેવી કઠિન પ્રક્રિયાઓમાંથી ગુજરવું પડે છે. જે વ્યક્તિ આર્થિક, વ્યાપારિક, ભૌતિક અથવા આધ્યાત્મિક એમ કોઇપણ દૃષ્ટિથી સુખ પ્રાપ્ત કરવા માંગતી હોય તેને પોતાના ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરવી જોઇએ. આ સિવાય વેદોમાં પણ પારદનો મહિમા ગાવામાં આવ્યો છે. બીજીબાજુએ દહેગામ નજીક, અમદાવાદમાં, સુરતના વાઘલધરામાં, ઇન્દોરમાં, હરિદ્ધારના કનકલમાં પારદ શિવલિંગ મંદિર છે. જોકે, અટલ આશ્રમમાં આવેલું ૨૩૫૧ કિલોનું પારદ શિવલિંગ ગુજરાત, ભારત જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ છે.

Next Story
Share it