સુરત : ચીનથી આવેલાં શખ્સને નવી સિવિલ લવાયો, પણ તેણે કર્યું એવું કે તંત્રમાં મચી ગઇ દોડધામ

0

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ શખ્સ થોડા સમય પહેલાં જ ચીનનો પ્રવાસ કરી સુરત પરત આવ્યો છે. 

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે જેમાં વરાછા ખાતે રહેતો આશરે 41 વર્ષનો શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો તે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. તેને તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો અને સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તે આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને ઘટનાની  જાણ થતા તેમણે પોલીસને માહિતી આપી હતી. 

વરાછા  પોલીસે યુવકનો ફોન પર સંપર્ક કરતા તે હાલ લગ્નમાં પ્રસંગમાં ગયો હોવાનું જણાવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.  પ્રિતી કાપડિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીએ ચીનથી આવેલા શખ્સને ખાંસી થાય છે તેવો રીપોર્ટ કરતાં તેને આઇસોલેશન વોર્ડમાં રાખી તપાસ કરી રહયાં હતાં. કોરોનાવાયરસની તપાસ માટે સેમ્પલ આપવાના બદલે તે હોસ્પિટલમાંથી ચાલ્યાં ગયાં છે. અમે તેના પરિવારના સભ્યોને મળ્યાં છેે અને દર્દીએ હવે સેમ્પલ આપવાની તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 2 દિવસમાં બે શંકાસ્પદ દર્દી મળી આવ્યાં છે.  અન્ય શંકાસ્પદ કેસમાં અમરોલી ખાતે રહેતો 25 વર્ષીય યુવાન 8 જાન્યુઆરીએ ચીનથી સુરત આવ્યો હતો. તેને પણ સિવિલ હોસ્પિટલમાં શરદી અને ખાંસીના લક્ષણો સાથે દાખલ કર્યો હતો. તેને આઇસોલેશન વોર્ડમાં રાખીને તપાસ કર્યા બાદમાં ઘરની બહાર નહીં જવાની સૂચના આપી ઘરે મોકલી આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here