Connect Gujarat
Featured

સુરત : AAPના પ્રભારી ઉપર હુમલાનો મામલો, ભાજપે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

સુરત : AAPના પ્રભારી ઉપર હુમલાનો મામલો, ભાજપે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત
X

સુરતના યોગીચોક નજીક આવેલ આમ આદમી પાર્ટીની ઓફિસે ગતરોજ શહેરના પ્રભારીને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ યોગ્ય તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

મળતી માહિતી અનુસાર, ગતરોજ બપોરના સુમારે સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને ફોન કરી અજાણ્યા શખ્સોએ કહ્યું હતું કે, 30થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાવું હોવાથી તમે ઓફિસ આવો, ત્યારે ઓફિસ પહોંચેલા રામ ધડૂક પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીક્કાપાટુનો માર માર્યો હતો. જેથી રામ ધડૂકને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રામ ધડૂકે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવાનો ઘણો શોખ છે તેમ કહીને હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સભ્યોએ યોગ્ય તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ભારે સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.

Next Story