Connect Gujarat
Featured

સુરત : ભાજપના પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં કાર્યકરો ઉમટયાં, દો ગજ કી દુરી પણ ન જાળવી

સુરત : ભાજપના પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં કાર્યકરો ઉમટયાં, દો ગજ કી દુરી પણ ન જાળવી
X

ગુજરાતમાં કોરોનાના નામે માસ્ક નહિ પહેરનારા પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે તથા કોઇ પણ તહેવાર કે પ્રસંગોની ઉજવણી મર્યાદીત કરી દેવામાં આવી છે પણ આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે હોય તેમ લાગી રહયું છે. ભાજપના નેતાઓના સ્વાગત કે રેલીઓમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતાં હોવા છતાં પોલીસ અને વહીવટીતંત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોયા કરતો હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલના મજુરા ખાતે સ્વાગત કાર્યક્રમમાં દો ગજ કી દુરી જળવાય ન હતી.


કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે પણ સત્તાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરો જ ગાઇડલાઇનનું પાલન કરતાં નથી. તાજેતરમાં ઝઘડીયા ખાતે યોજાયેલાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડી ગયાં હતાં. ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે નિયમો હોય ના તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દો ગજ કી દુરીની વાત કરી રહયાં છે પણ તેમની પાર્ટીના જ કાર્યકરો અને નેતાઓ તેમની સલાહનું પાલન કરતાં નથી. આજરોજ સુરતના મજુરા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષનું 180 ફુટ લાંબો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ટીકીટ વાંચ્છુઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. કોરોના વાયરસ નાબુદ થઇ ગયો હોય તે પ્રકારે ભીડ ઉમટી પડી હતી. પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં જ સોશિયલ ડીસ્ટન્સના ધજારા ઉડી ગયાં હતાં.

Next Story