Connect Gujarat
Featured

સુરત : દિલ્હીથી વિમાનમાં સુરત આવતી હતી બિહારી ગેંગ, જુઓ શું છે કારસ્તાન

સુરત : દિલ્હીથી વિમાનમાં સુરત આવતી હતી બિહારી ગેંગ, જુઓ શું છે કારસ્તાન
X

દીલ્હીથી સુરત વિમાનમાં આવીને લોકોના એટીએમ કલોન કરી નાણા ઉપાડી લેતી બિહારી ગેંગના પાંચ સાગરિતોને સુરતની ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયાં છે.

સુરત શહેરમાં એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ફરિયાદો ઉઠી હતી. જેના સંદર્ભમાં ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી પાંચ આરોપીને ઝડપી પાડયાં છે. ગેંગના સાગરિતોની પુછપરછ કરતાં અનેક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ ગેંગના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી છે.સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એટીએમમાંથી બે દિવસ પહેલા યુવકોના રૂપિયા ઉપડી જવાની ફરિયાદ નોંધાઈ હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસને કામે લગાડી એટીએમ ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સાગરિતોને પાંડેસરા કૈલાશ નગર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયાં છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતાં.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર નાંખવામાં આવે તો આરોપીઓ બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી માત્ર એક્સિસ બેંકના એટીએમને ટાર્ગેટ બનાવતા હતાં. એટીએમ મીશનનું હુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્કિમર મશીન લગાવી દેતા હતાં. રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિના કાર્ડનો ડેટા ચોરી કરી જે તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં નોંધી લેતાં. એટીએમમાંથી મેળવેલો ડેટા લેપટોપ પર ચડાવી મિનિટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવતા હતા. ત્યારબાદ દિલ્હી, બિહારના શહેરમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતાં હતાં.

Next Story