Connect Gujarat
Featured

સુરત : દવા બાદ દર્દ આપવામાં પણ કોઈ કસર બાકી નહીં, જાણો સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી..!

સુરત : દવા બાદ દર્દ આપવામાં પણ કોઈ કસર બાકી નહીં, જાણો સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી..!
X

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ અને મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ માતાનું મૃત્યુ થયા બાદ 11માં દિવસે તેના પુત્રને કંટ્રોલ રૂમમાંથી ફોન આવે છે કે, તમારા માતાની તબિયત સારી છે અને તેઓ જલ્દી સાજા થઈ જશે. તેમ કહેતા જ પુત્ર ચોંકી ઉઠ્યો હતો, ત્યારે આ એક ગંભીર પ્રકારની બેદરકારી હોવાનો મૃતક વૃદ્ધાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, બમરોલી વિસ્તારના ગીતાનગરમાં રહેરા 65 વર્ષીય વૃદ્ધા રૂકમાબેન સુર્યવંશીને ગત તા. 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે રૂકમાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તે દરમ્યાન ગત તા. 20 જુલાઈના રોજ પરિવારને રૂકમાબેનની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. પરંતુ થોડા કલાકો બાદ તેમની હાલત ગંભીર હોવાનું જણાવી તેમના પુત્રને બોલાવવામાં આવ્યો હતો, ત્યારે કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકો બાદ વૃદ્ધાના મૃત્યુની જાણ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે ગત રોજ તા. 30 જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી મૃતક વૃદ્ધાના પુત્ર પર ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, તમારા માતાની તબિયત સારી છે અને તેઓ રેગ્યુલર દવા પણ લઈ રહ્યા છે. ઉપરાંત તેમને જલ્દી સાજા કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વધુમાં તમારી માતા તમને ફોન કરે છે કે નહીં..? તેમ કહેતા પુત્ર વિચારમાં પડી ગયો હતો.

સમગ્ર મામલે મૃતક વૃદ્ધાના પુત્રએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી આ પ્રકારનો ફોન આવતા વધુ વાતચીત થાય તે પહેલા જ મે કહ્યું કે, એક વખત બરાબર ચેક કરી લો ને સાહેબ’ મારી માતાના મૃત્યુ થયાને આજે 11 દિવસ વીતી ગયા છે, અને અમારી માતનું મૃત્યુ થયાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. જેથી ફોન કરનાર વ્યક્તિએ ચોંકી જઈ કહ્યું કે, શું વાત કરો છો..? હું બરાબર તપાસ કરીને ફરી ફોન કરું છું. જોકે ત્યારબાદ ફોન આવ્યો નથી, ત્યારે દવા બાદ દર્દ આપવામાં પણ કોઈ કસર સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બાકી રાખવામાં આવી નથી. સુરત સિવિલ હોસ્પિટલની આ એક ગંભીર બેદરકારી હોવાનો મૃતક વૃદ્ધાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

Next Story