Connect Gujarat
Featured

સુરત : ટૂંડા ગામના ખેડૂતોને માથે તોળાતું સંકટ, જાણો આફતરૂપી વરસાદથી કેમ આયોજન બગડ્યું..!

સુરત : ટૂંડા ગામના ખેડૂતોને માથે તોળાતું સંકટ, જાણો આફતરૂપી વરસાદથી કેમ આયોજન બગડ્યું..!
X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતો ફરી એકવાર ભારે મુસીબતમાં મુકાયા છે. છેલ્લા 5 દિવસથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે ડાંગરનો નિષ્ફળ થતાં ખેડૂતોના માથે આભ ફાટ્યું છે.

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે ડાંગરનો પાક વધુ પકવે છે. જેમાં ચોમાસુ ડાંગરની ખેતીમાં જે આવક થાય તેના પર ખેડૂતો સમગ્ર વર્ષનું આયોજન કરતા હોય છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા અવિરત વરસાદે ખેડૂતોના આખા વર્ષનું આયોજન ખોરવી નાખ્યું છે. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ડાંગરનો પાક ડૂબી જતાં ખેડૂતોને ભારે નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ટૂંડા ગામની વાત કરીએ તો, ટૂંડા ગામમાં ખેડૂતોએ 900 વીઘા જમીનમાં ડાંગરના પાકની વાવણી કરી છે. જેમાં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ થયો છે. ટૂંડા ગામ સિવાય નાના ખોસાડીયા, મોટા ખોસાડીયા, મોટ, ધનસેર, છીણી, દભારી સહિત આજુબાજુના ગામના ખેડૂતો કપરી પરિસ્થિતીમાં મુકાયા છે. જોકે છેલ્લા 5 દિવસથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. છતાં કોઈ જવાબદાર અધિકારીઓ ખેડૂતોની મુલાકાત કે, ડાંગરના પાકનો સર્વે કરવા ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story