Connect Gujarat
Featured

સુરત : વોશિંગ મશીન રીપેર કરવા ગયેલાં યુવાનને લાગ્યો કરંટ, પછી જે થયું તે તમારૂ હદય પીગળાવી દેશે

સુરત : વોશિંગ મશીન રીપેર કરવા ગયેલાં યુવાનને લાગ્યો કરંટ, પછી જે થયું તે તમારૂ હદય પીગળાવી દેશે
X

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ૨૦ વર્ષીય યુવકને કરંટ લગતા તેને તેનો મિત્ર સીવીલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જો કે પોતાનો પુત્ર જીવતો જ છે. તેવી આશા સાથે પરિવાર તેને ખભે ઉચકીને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ગતરોજ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. જે જોઇને ત્યાં હાજર સૌ કોઈની આંખોની પાપણો ભીંજાય ગઇ હતી. ચોકબજાર ફુલવાડીમાં રહેતો સદામ ઉર્ફે સિકંદર સાબિરશા અડાજણ ખાતે ઈલેક્ટ્રિકની દુકાનમાં કારીગર કામ કરતો હતો. ગુરુવારે સાંજે તે આવાસમાં વોશીંગ મશીન રિપેરીંગ કરવા ગયો હતો. રિપેરીંગ દરમિયાન નીચે ભીની જગ્યામાં વિજ પ્રવાહ પસાર થતા તેને કરંટ લાગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને તેનો મિત્ર વાસીફ સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સિકંદરના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હજી તો સિવિલનો સ્ટાફ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તજવીજ હાથ ધરી રહ્યો હતો. પરિવારના સભ્યો સિકંદર જીવિત હોવાની આશા સાથે તેના મૃતદેહને ખભા પર ઊંચકી ખાનગી હોસ્પિટલ લઇ ગયાં હતાં.

રોકકળ કરતા પરિવારજનોને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પીએમ કર્યા વિના પરિવાર મૃતદેહ લઈ જતા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પરિવાર ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ ત્યાં પણ સિકંદરને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરાઇ હતી. અડાજણ પોલીસે સિકંદરનો મૃતદેહ ફરીથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. હાલ આ મામલે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Next Story