Connect Gujarat
Featured

સુરત: રત્નકલાકાર પિતાની પુત્રી બની ક્લાસ ટુ ઓફિસર, જુઓ સંઘર્ષ ગાથા

સુરત: રત્નકલાકાર પિતાની પુત્રી બની ક્લાસ ટુ ઓફિસર, જુઓ સંઘર્ષ ગાથા
X

આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત જિલ્લા રમત ગમત અધિકારી રાધિકા લાઠીયા સ્ત્રી શક્તિના દ્રઢ મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ સખત મહેનત અને પરિશ્રમ બાદ ક્લાસ ટુ ઓફિસર બન્યા છે અને જાહેર સેવામાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

સુરત “નારી તું નારાયણી” મંત્રને દેશના અનેક નારી રત્નોએ સમયાંતરે સિદ્ધ કર્યો છે. ઘર-પરિવાર, ઓફિસ, સામાજિક તેમજ આર્થિક જવાબદારી પોતાના ખભે ઉપાડીને પરિશ્રમી મહિલાઓ સમાજ માટે ઉદાહરણરૂપ બને છે. આવી મહિલાઓને માનસન્માન આપવાના આશયથી દર વર્ષે ૮મી માર્ચે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું આવી જ એક દૃઢનિશ્ચયી ૩૦ વર્ષીય જિલ્લા યુવા અધિકારી રાધિકા હરેશભાઈ લાઠીયાની, જેઓ સખત મહેનત અને સંઘર્ષ કરી ઉચ્ચ અધિકારી બન્યા છે, અને સુરત જિલ્લા રમત-ગમત કચેરી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે પોતાના સ્વપ્નના ક્ષેત્રમાં આગળ વધી સરકારી ફરજ બજાવી રહ્યા છે.

કોલેજ અભ્યાસ દરમિયાન જ તેમણે કોઈ પણ કોચિંગ ક્લાસ વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. તેમના ક્ષેત્રમાં તેઓ સતત કાર્યશીલ રહ્યા અને ગુજરાત સરકારના રમતગમત વિભાગમાં ૫ વર્ષ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર (વર્ગ-૩) તરીકે જોડાયા હતા. આ સરકારી નોકરી દરમિયાન તેઓ જીપીએસસીની તૈયારી કરતા રહ્યા, જેમાં તેમણે તા.૮ માર્ચ, ૨૦૧૯માં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવી હતી. હાલ તેઓ છેલ્લાં ૦૨ વર્ષથી સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત રમતગમત કચેરી ખાતે જિલ્લા યુવા અધિકારી(વર્ગ-૨) તરીકે કાર્યરત છે. મૂળ બોટાદના વતની રાધિકાબેન હાલ વરાછા હીરાબાગ વિસ્તારમાં પોતાના માતા-પિતા અને ૨ મોટા ભાઈ સાથે રહે છે. તેઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવા તમારી જાતને તૈયાર કરો. મજબૂત ઈરાદા, પ્રમાણિકતાથી કરેલો પુરૂષાર્થ અને અંતરમનથી કરેલી પ્રાર્થના જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલ લાગતી સમસ્યાનું નિવારણ કરે છે.

Next Story