માલેતુજાર પરિવારની ફેશનેબલ દીકરી યશ્વી મહેતાએ સંયમના માર્ગે જઈ દીક્ષા ગ્રહણ કરી.

સુરતનાં એક સુખી સંપન્ન પરિવારની 22 વર્ષની દીકરીએ સંયમનો માર્ગ પસંદ કર્યો છે. સંસારની તમામ સુખ સાહ્યબીને છોડીને યુવાવયે એકાએક કપરો નિર્ણય લીધો છે. તે હવેથી કોઈ જ મોજશોખ નહીં કરે અને સંયમના માર્ગે જ ચાલશે. જૈન મુનિ ચકાચક આચાર્ય પ્રબોધ સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લઈને ગૃહ ત્યાગ કર્યો છે.

સુરતના એક માલેતુજાર અને સાધન સંપન્ન પરિવારની એકની એક દીકરી યશ્વી મહેતા સંસારની મોહ માયા ત્યજીને સંયમના માર્ગે નીકળી છે. મહેતા પરિવારની લાડકવાયી યશ્વીને આમ તો, એક સામાન્ય યુવતીની જેમ હરવા-ફરવાના તમામ શોખ છે. લાડકોડથી ઉછરેલી યશ્વી ફેશનેબલ પણ છે અને તેની લાઈફ સ્ટાઈલ મોર્ડન પણ છે. તેને મુવિઝ જોવાનો શોખ પણ છે. અને રેસ્ટોરન્ટમાં જમવાનો ક્રેઝ પણ છે. તેના માટે ઘરમાં અલગ બેડરુમ પણ છે અને ફરવા માટે ખાસ લક્ઝુરિયસ કાર પણ છે.

વૈભવી જીવનશૈલી ધરાવતી મોર્ડન યુવતી યશ્વી મહેતાએ પોતાના જીવનની તમામ સુખ-સુવિધાઓનો ત્યાગ કર્યો છે. તેણે લક્ઝુરિયસ કાર છોડીને હંમેશા પગપાળા ચાલવાનો નિર્ણય લીધો છે. તેણે રેસ્ટોરન્ટમાં જમવાને બદલે ઘરે-ઘરે ગોચરી કરવાનો નિયમ લીધો છે. તેણે પોતાનો આલિશાન બેડરૂમ છોડીને જમીન ઉપર પાથરણુ પાથરીને સૂવાનો નિયમ લીધો છે. સીધી વાત કરીએ તો જૈનધર્મ પાળતી યશ્વીએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. તેણે જૈન મુનિ ચકાચક આચાર્ય પ્રબોધ સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લઈને ગૃહ ત્યાગ કર્યો છે.

તેના પિતા પંકજ મહેતા ગર્વથી કહે છે કે, આજે મારી દીકરી યશ્વી મહેતાનો નવો જન્મ થયો છે અને હવેથી તે યશ્વીને બદલે સુત નંદી શ્રીજીના નામે ઓળખાશે.

LEAVE A REPLY