સુરત : “ગેંગવોર”ની સ્થિતિ પેદા કરતી ઘટના સર્જાઈ, જાણો કોના પર થયું 2 રાઉન્ડ ફાયરિંગ

0

સુરત શહેરના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં લૂંટ સહિત ચેઈન સ્નેચિંગ કરી તરખાટ મચાવતી ગેંગના સાગરીત પર પાંડેસરાની તેરેનામ ચોકડી નજીક રિક્ષામાં આવેલા શૂટરોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી, ત્યારે બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારની લૂંટના ગુનામાં 2 દિવસ પહેલા જ જામીન ઉપર છૂટીને આવેલા સચિન મિશ્રાની હત્યાએ પાંડેસરામાં ગેંગવોરની સ્થિતિ પેદા કરી છે. ભેસ્તાનમાં રહેતો ગુડ્ડુ ગેંગ સાથે સંકળાયેલો સચિન મિશ્રા પાંડેસરાની તેરેનામ ચોકડી નજીક ઉભો હતો, તે દરમ્યાન એક ઓટોરિક્ષા આવીને ઊભી રહી હતી. રિક્ષામાં બેસેલા 2થી 3 વ્યક્તિઓએ સચિન મિશ્રાને બોલાવ્યો હતો, જ્યારે સચિન રીક્ષા પાસે ગયો તે સાથે જ રિક્ષામાંથી ફાયરિંગ કરી તેને વીંધી નાખવામાં આવ્યો હતો. સચિન મિશ્રા ઘાયલ થયા બાદ જીવ બચાવવા માટે પાછળ ફરીને એક મકાન તરફ દોડ્યો હતો. પરંતુ મકાનના ઓટલા ઉપર ફસડાઈને પડતાં તે સાથે જ મોતને ભેટ્યો હતો. ફાયરિંગના અવાજથી આસપાસના લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી, ત્યારે લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ તો સમગ્ર ઘટનામાં કોઈ જૂની અદાવત અથવા તો તેની હરીફ ગુડ્ડુ ગેંગની સંડોવણી હોવાની શંકા સેવી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here