Connect Gujarat
Featured

સુરત : પતિએ ચપ્પુના ઘા મારી પત્નીની કરી હત્યા, બાદમાં પોતે કરી લીધો આપઘાત

સુરત : પતિએ ચપ્પુના ઘા મારી પત્નીની કરી હત્યા, બાદમાં પોતે કરી લીધો આપઘાત
X

સુરતના ભટાર રસુલાબાદમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિએ પત્નીની ચપ્પુના ઘા મારી હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પતિ અને પત્ની બંનેના મોત થતાં બે પુત્રીઓ નિરાધાર બની ગઇ હતી.

સુરતના ભટાર ખાતે આવેલ રસૂલાબાદની ગલી નં. 11માં રૂમ નં. 45માં રહેતા રવિ નામદેવ ખંડારે અને તેની પત્ની મોહિની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થતા હતા. પતિ રવિ મોહિનીના ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો. જેથી મોહિની તેની મોટી પુત્રીને તેના પિયર મહારાષ્ટ્ર ખાતે મુકી આવી હતી અને નાની પુત્રી ક્રિતીકાને પોતાની સાથે રાખતી હતી.પંદેરક દિવસ અગાઉ રવિ અને મોહિની વચ્ચે પુનઃ ઝઘડો થતા રવિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જો કે ગત રોજ બપોરના અરસામાં રવિ પરત ઘરે આવ્યો હતો અને વતન મહારાષ્ટ્રના અકોલા ખાતે માતાનગર જવાનો હોવાથી પુત્રી ક્રિતીકાને લેવા આવ્યો હતો. પરંતુ મોહિનીએ પુત્રીને આપવાનો ઇન્કાર કરી દેતા તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો. જેથી ઉશકેરાટમાં આવી રવિએ પત્ની મોહિની પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

પતિએ હુમલો કરતા મોહિનીએ બુમાબુમ કરી મુકતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તુરંત જ લોહીલુહાણ હાલતમાં મોહિનીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જયાં ટુંકી સારવાર બાદ મોહિનીનું મોત થયું હતું. બીજી તરફ પત્ની પર જીવલેણ હુમલો કરનાર રવિએ પોતે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી સિમેન્ટના પતરાના મોભા સાથે સાડી વડે ફાંસો બાંધી પોતે પણ આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પતિ અને પત્નીના મોતના પગલે તેમની બંને પુત્રીઓ નિરાધાર બની ગઇ છે.

Next Story