Connect Gujarat
Featured

સુરત : કામરેજ-ઉભેળના ગ્રામજનોની હાઈ-વે પર ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી, જાણો શું છે કારણ..!

સુરત : કામરેજ-ઉભેળના ગ્રામજનોની હાઈ-વે પર ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી, જાણો શું છે કારણ..!
X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ નજીક રોજબરોજ હાઈ-વે અકસ્માતની ઘટના બનતી રહે છે, ત્યારે અહી થતાં અકસ્માતોને અટકાવવા માટે આસપાસના રહીશોએ તંત્ર પાસે બ્રિજ બનાવવાની માંગ કરી છે. જોકે આજદિન સુધી માંગ પુરી ન થતાં સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આગામી તા. 28મી ડિસેમ્બરના રોજ ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

મુંબઇ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરત જીલ્લાના કડોદરાથી કામરેજ વચ્ચે આવેલ ઉભેળ ગામ નજીક અકસ્માત ઝોન બની ગયો છે. ગત તા. 11મી ડિસેમ્બરના રોજ બપોરના સમયે એક ખાનગી લક્ઝરી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉભેળ ગામ નજીક ચાર રસ્તા પડે છે, અને ત્યાંજ છાસવારે અકસ્માતની ઘટના બને છે, ત્યારે અકસ્માતની વધુ એક ઘટના બનતા ગ્રામજનો રોષે ભરાઈ રસ્તા ઉપર ઉતરી આવી ભારે ચક્કાજામ કર્યો હતો.

રહીશોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આગામી તા. 28મીએ ચક્કાજામ સહિત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે અનેક વાર અકસ્માત સર્જાતા ગ્રામજનો આંદોલનો કરી ચુક્યા છે. થોડા માસ અગાઉ બારડોલી સાંસદ પરભુ વસાવા અને સ્થાનિક ધારાસભ્ય વી. ડી.ઝાલાવડીયાએ ઓવર બ્રિજ અંગે 6 માસમાં જ કાર્ય ચલાવવા ધરપત આપી હતી. પરંતુ નેતાઓ પણ માત્ર ઠાલા વચનો આપતા હજુ સુધી બ્રિજનું કામ શરૂ થયું નથી, ત્યારે ફરી એકવાર ચીમકી ઉચ્ચારતા હવે નક્કર કામગીરી થશે કે, પ્રજાને માત્ર લોલીપોપ જ મળશે તે હવે જોવું રહ્યું.

Next Story