Connect Gujarat
Featured

સુરત : કરંજ ગામના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ, નેધરલેન્ડના કલર કેપ્સીકમની કરી સફળ ખેતી

સુરત : કરંજ ગામના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ, નેધરલેન્ડના કલર કેપ્સીકમની કરી સફળ ખેતી
X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં બદલાવ લાવી ચાલુ વરસે નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સીકમ મરચાની સફળ ખેતી કરી ભારે ઉત્પાદન મેળવ્યું છે. પરંતુ આ ખેતી ભારે ખર્ચાળ હોવાથી મોંઘા બિયારણ અને ગ્રીન હાઉસ બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. પરંતુ રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચકતા ખેડૂતની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે.

કોરાના મહામારી વચ્ચે ખેડૂતને પોષણસમ ભાવ મળશે કે, કેમ એ એક સવાલ ઉભો થયો છે, ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા ભાગે ડાંગર, શેરડી અને શાકભાજીના પાક લેવામાં આવે છે. પરંતુ ઓલપાડ તાલુકાના કરંજ ગામના ચેતન પટેલ નામના ખેડૂતે નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સીકમની સફળ ખેતી કરી છે. જેમાં એક વીઘાના ગ્રીનહાઉસમાં લાલ, કાળા અને પીળા કલરના કેપ્સીકમ મરચાની ખેતી કરવામાં આવી છે. એક વીઘામાં 5 હજાર રોપાનું પ્લાન્ટેશન કરી ભારે મહેનત બાદ કેપ્સીકમ મરચાનો પાક તૈયાર કર્યો છે. જોકે આ કલર કેપ્સીકમ મરચાનો એક કિલોનો ભાવ 100થી 150 રૂપિયા મળે છે. પરંતુ હાલમાં ફરી એકવાર કોરોનાના કારણે કરફ્યુ જેવો માહોલ છે, ત્યારે ખેડૂતની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

કરંજ ગામના ચેતન પટેલ દ્વારા નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી છે. સામાન્ય રીતે સુરત સહીત દક્ષીણ ગુજરાતના બજારમાં વેચાતા લીલા કેપ્સીકમ મરચાનો ભાવ 8થી 10 રૂપિયા મળતો હોય છે. પરંતુ કલર કેપ્સીકમ મરચાનો ભાવ 50થી 100 રૂપિયા કિલો હોય છે. કલર કેપ્સીકમ મરચાના એક છોડ પર 10થી 12 કિલોનો ઉતારો આવે છે. આમતો આ બિયારણનો ભાવ આસમાને છે. જેમાં 10 ગ્રામ બિયારણનો ખર્ચ 6થી 7 હજાર રૂપિયા જેટલો થાય છે. જોકે કરંજ ગામના ખેડૂતે તેમના ખેતરમાં કલર કેપ્સીકમ મરચાની સફળ ખેતી કરી બતાવી છે, ત્યારે ઓલપાડના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કરવામાં આવેલ કલર કેપ્સીકમ મરચાની ખેતી જોવા માટે પણ સુરત જીલ્લાના અન્ય ખેડૂતો આવી રહ્યા છે.

ઓલપાડ તાલુકામાં ખેડૂતો ડાંગર, શેરડી જેવા પાક લેતા હોય છે. પરંતુ સમયની સાથે હવે ખેડૂતો પણ બદલાવ લાવી રહ્યા છે. હાલમાં મંદ્રોઈ ગામના ખેડૂતોએ થાઈલેન્ડ અને ચાઈના બ્રીડના બ્લેક રાઈસની સફળ ખેતી કરી હતી, ત્યારે હવે ઓલપાડના કરંજ ગામના ચેતન પટેલે નેધરલેન્ડ બ્રીડના કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. ઓલપાડના કાંઠા વિસ્તારના ખેડૂતો હવે ખેતીમાં બદલાવ કરી સારી કમાણી કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સહિત કેન્દ્ર સરકારે આવા પ્રગતિશીલ ખેડૂતોને સબસીડી આપી અન્ય ખેડૂતોને પોત્સાહન આપવું જોઈએ. જોકે ઓલપાડ તાલુકામાં ચેતન પટેલ પ્રથમ એવા ખેડૂત છે કે, જેઓએ કલર કેપ્સીકમ મરચાની ખેતી કરી અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે.

Next Story