સુરત : કીમ-માંડવી રોડ પર બેકાબુ ટ્રક ચાલકે શ્રમજીવીઓને કચડ્યા, 15 લોકોના મોત

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂ. 2-2 લાખ સહાયની જાહેરાત
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ફૂટપાથ પર સુતેલા 15 જેટલા શ્રમજીવીઓને કચડી માર્યા હતા. આ સમગ્ર મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
રાજ્યમાં ગઇકાલથી જ માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે એવા સમયે જ સોમવારની મધરાતે સુરત જિલ્લાના કીમ-માંડવી રોડ પર કીમ ચાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 15 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જેમાં ટ્રક ચાલક ટ્રક લઇ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયો હતો. ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી. જેમાં ફૂટપાથ પર સુતેલા 18 જેટલા શ્રમજીવીઓ ટ્રક નીચે કચડાયા હતા.
જેમાં એક બાળકી સહીત 12 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જયારે 6 જેટલા શ્રમજીવીઓને ગંભીર ઈજાના પગલે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ 3 વ્યક્તિના મોત નીપજયાં હતા, ત્યારે કુલ મૃત્યુઆંક 15 પર પહોચ્યો છે જયારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજા થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોસંબા ખાતે ખસેડાયા હતા.આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલ ટક્કર નજરે પડી રહી છે.
કાળજું કંપાવી દે એવી ઘટનામાં નિન્દ્રા માણી રહેલ શ્રમજીવીઓ હમેશાના માટે જ ગાઢ નિન્દ્રામાં પોઢી ગયા હતા. શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. જોકે ડમ્પરના ચાલક પુનાલાલ કેવટ અને કંડક્ટર સુદામા યાદવને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે આ બંને દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસ બંનેના રિપોર્ટની રાહ જોઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની હાલતમાં પણ ન હતા.
આ ઘટના અંગે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું અને ટ્વિટ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન કાર્યાલય દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 2-2 લાખની સહાય જાહેર કરવામાં આવી છે તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સંવેદના વ્યક્ત કરી સરકાર દ્વારા મૃતકોના પરિવારને રૂપિયા 2-2 લાખ સહાયની જાહેરાત કરી હતી. આ તરફ રાજીના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી.