Connect Gujarat
Featured

સુરત : મહિલા PSI આપઘાત કેસમાં પોલીસે ગારિયાધાર-ભાવનગરથી પતિ સહિત 5 સાસરિયાની કરી ધરપકડ

સુરત : મહિલા PSI આપઘાત કેસમાં પોલીસે ગારિયાધાર-ભાવનગરથી પતિ સહિત 5 સાસરિયાની કરી ધરપકડ
X

સુરતમાં મહિલા પી.એસ.આઈ. અમિતા જોશીના આપઘાત પ્રકરણમાં તેના પિતા દ્વારા પતી સહીત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પોલીસને પતિના આડા સબંધનું રેકોડીંગ પણ સોપવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગારિયાધાર અને ભાવનગરથી 5 સાસરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ. અમિતા જોશીએ ફાલસાવાડી ખાતે પોતાના રૂમમાં જઈ પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનામાં હવે નવો જ વળાંક આવ્યો છે. પીએસઆઈના નિવૃત પોલીસ પિતાએ આ મામલે તેણીના સાસરિયાઓ જેમાં પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી પોલીસને વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ પણ સોંપવામાં આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી, ત્યારે ગુન્હો દાખલ થતા જ આરોપીઓ સુરતથી તમામ સામાન લઇ ફરાર થઇ ગયા હતા.

જેથી તેઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. જેમાં ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા પી.એસ.આઈ. અમિતા જોષીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને વારંવાર ત્રાસ આપતા હતા. જોકે સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહી અવારનવાર પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાનજનક લાગતું હતું.

Next Story