સુરત : લીંબાયતમાં પાનના ગલ્લા પર ગયેલા વિદ્યાર્થીની હત્યા

સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં પાનના ગલ્લા પર થયેલા ઝગડામાં એક વિદ્યાર્થીને ચાર જેટલા લોકોએ ભેગા મળી માર મારતાં તેનું મોત નીપજયું હતું. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
સુરતના લીંબાયતમાં ગુનેગારો બેફામ બન્યા છે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ લાગી રહયું છે. લીંબાયત સ્થિત કૈલાશ નગર પાસે ધો. ૧૨માં અભ્યાસ કરતા અને ૧૮ વર્ષીય સાહિલ જોશી નામના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. સાહિલ ઘર નજીક આવેલા પાનના ગલ્લા પાસે ગયો હતો. જ્યાં ચાર જેટલા ઈસમોએ તેની સાથે ઝગડો કર્યો હતો અને બાદમાં તેને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે બીજી તરફ બનાવની જાણ થતા લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ સંદર્ભમાં અજય, ગૌરવ ઉર્ફે બપ્પી અને રવિ સહિતના અન્ય બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના મોતને પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઇ છે.