Connect Gujarat
Featured

સુરત : મીની બજારમાંથી "કોરોના" ગાયબ !!! બિન્દાસ્ત રીતે ફરતાં લોકો મળ્યાં જોવા

સુરત : મીની બજારમાંથી કોરોના ગાયબ !!! બિન્દાસ્ત રીતે ફરતાં લોકો મળ્યાં જોવા
X

કોરોના વાયરસના ઝડપથી ફેલાય રહેલાં સંક્રમણે સુરતના હાલબેહાલ કરી નાંખ્યાં છે તેમ છતાં હજી લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહયો છે. સુરતના મીની બજારમાં લોકોના ટોળા એકત્ર થતાં સંક્રમણ ફેલાવાનો ખતરો વધ્યો છે.

કાપડ અને હીરાના ઉદ્યોગ માટે જાણીતું સુરત દેશના લાખો લોકોને રોજગારી પુરી પાડી રહયું છે. છેલ્લા એક વર્ષથી ફેલાયેલી કોરોનાની મહામારીએ જન જીવન અને વેપાર- ધંધા અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં છે. લોકો કોરોનાનો ભય જાણતાં હોવા છતાં પરિવારનું ગુજરાન ચલાવવા બે પૈસા કમાય લેવાની આશા સાથે ઘરોની બહાર નીકળી રહયાં છે. સુરતમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી હવે લોકો જેટલા ઘરોમાં રહેશે તેટલાં જ સલામત રહેશે. તમે જે દ્રશ્યો હાલ જોઇ રહયાં છો તે સુરતની અસલી સુરત બતાવી રહયાં છે.

સુરતના મીની માર્કેટમાં શનિવારના રોજ લોકો ઉમટી પડયાં હતાં કારણ કે પાપી પેટનો સવાલ છે. ખિસ્સામાં રૂપિયા હશે તો પરિવારને બે ટંકનું ભોજન ખવડાવી શકીશું તેવી આશા સાથે લોકો મીની બજારમાં પહોંચ્યાં હતાં પણ જાણતા અજાણતાં તેઓ સોશિયલ ડીસટન્સનું પાલન કરવાનું ભુલી ગયાં….. મીની બજારમાં સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડતાં ડાયમંડ બ્રોકર એસોસીએશન એકશનમાં આવ્યું હતું અને બે દિવસ માટે મીની બજાર અને હીરા બજાર બંધ રાખવાની જાહેરાત કરી દીધી હતી. એસોસીએશનની જાહેરાત બાદ દુકાનો અને કારખાનાઓ બંધ થઇ જતાં ફરી એક વખત સન્નાટો છવાય ગયો હતો.

હીરા ઉદ્યોગની સાથે સુરતમાં કાપડનો ઉદ્યોગ પણ મોટાપાયે ધમધમી રહયો છે. કાપડ ઉદ્યોગ સાથે પણ લાખો લોકો સંકળાયેલાં છે. સુરત શહેરની વર્તમાન સ્થિતિને જોતાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવું પડે તે જરૂરી છે. શનિવાર અને રવિવારના રોજ લોકો ઘરોની બહાર ન નીકળે તે માટે તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહયાં છે. શનિવારના રોજ ટેકસટાઇલ માર્કેટમાં સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું હતું. માર્કેટની મોટાભાગની દુકાનો પર ખંભાતી તાળા લટકતાં જોવા મળ્યાં હતાં. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ટેકસટાઇલ માર્કેટના વેપારીઓનું આ સરાહનીય પગલું છે.

Next Story