Connect Gujarat
ગુજરાત

સુરતઃ નવરાત્રિ વેકેશનમાં શાળાઓ ચાલુ રાખનાર સંચાલકોને DEO ફટકારશે નોટીસ

સુરતઃ નવરાત્રિ વેકેશનમાં શાળાઓ ચાલુ રાખનાર સંચાલકોને DEO ફટકારશે નોટીસ
X

નવરાત્રિ વેકેશનના પહેલા દિવસે શહેરમાં બે ગ્રાન્ટેડ શાળા સહિત 385 શાળાઓ ચાલુ રહી હતી

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં 10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ સુરતની 400થી વધુ ખાનગી શાળાના સંચાલકોએ વિરોધ પણ દર્શાવ્યો હતો. બાદમાં નવરાત્રિ વેકેશન હોવા છતા પણ શાળાઓ ચાલું રહેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ વેકેશનમાં શાળા ચાલુ રાખનાર ગ્રાન્ટેડ અને ખાનગી શાળાનો આંકડો વધી રહ્યો હોવાની વાત સામે આવી છે. જેને લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ આવા શાળા સંચાલકોને નોટીસ ફટકારવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરની કેટલીક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી તેમજ વાલીઓએ શિક્ષણ વિભાગનો સામે ભારે વિરોધ નોંધ્યો છે. તેમનો વિરોધ એવો હતો કે, નવરાત્રિ વેકેશન બાદ તરત જ પરીક્ષા આવે છે અને આ જ દિવસોમાં વિદ્યાર્થીઓનું ભણવાનું હોય છે. મહત્વની વાત એ છે કે, શહેર પોલીસ કમિશ્નરે રાત્રે 12:00 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી છે. જેથી નવરાત્રિમાં ગરબા રમનાર વિદ્યાર્થીને રાત્રે પૂરતી ઊંધ મળી જાય. સાથે બીજા દિવસે તે શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે તેમ છે. ત્યારે હાલ શાળાઓમાં વેકેશન ચાલતું હોવા છતાં ખાનગી શાળા સંચાલકોએ પોતાની મનમાની ચલાવી શાળાઓ ચાલુ જ રાખી છે. જેને લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખનાર સ્કૂલોના સંચાલકોને નોટીસ ફટકારવાની તજવીજ ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર નવરાત્રિ વેકેશનનાં પહેલા જ દિવસે બે ગ્રાન્ટેડ શાળા સહિત 385 શાળાઓ ચાલુ રહી હતી. તો બીજા દિવસે તે સંખ્યા વધી ગઈ હોવાનું સરવેમાં બહાર આવ્યું હતું. આ શાળાઓ માટે નોટીસો તૈયાર કરી દેવામાં આવી છે. જેને અગામી એક-બે દિવસમાં જે તે શાળાઓને પાઠવી દેવામાં આવશે. જેમાં બોર્ડના પરિપત્ર અનુસાર નવરાત્રિ વેકેશન અપાયું હતું પરંતુ તમારી શાળાએ ક્યાં કારણસર રજા નહીં આપી તેનો જવાબ લેખીતમાં આપવાનો રહેશે.

Next Story