સુરત : 50 હજાર રૂપિયા પરત ન આપવા પડે તે માટે મહિલાની હત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં રોય દંપતિ માત્ર રૂ. 50 હજારની લેતીદેતી મામલે જ નજીકમાં જ રહેતી એક મહિલાનું પોતાના જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાંખી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
સુરતના પાંડેસરામાં રહેતા રાકેશ રાજપુતની પત્ની વર્ષાએ પાંડેસરાની જીઆઈડીસીના ક્રિકેટ ગ્રાઊન્ડની સામે આરપીએલ કોલોનીમાં રૂમ નંબર - 31માં રહેતા દિનેશ રોય તેમજ તેમની પત્ની અર્પણાને રૂ, 50 હજાર આપ્યાં હતાં હાલમાં ખુબ જ મંદી હોવાથી વર્ષાબેને પોતાના રૂપિયાની માંગણી કરી હતી. વર્ષાબેને ઉછીના આપેલા નાણાની ઉઘરાણી શરૂ કરતાં રોય દંપતિ રોજના વાયદા કરી પૈસા પરત આપવામાં આનાકાની કરી રહયાં હતાં. મંગળવારે તેઓ રોય દંપતિના ઘરે નાણાની ઉઘરાણીએ ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતાં. સાંજના સમયે વર્ષાબેનના પતિ રાકેશભાઇ ઘરે આવ્યાં હતાં અને તેમણે દિનેશ રોયના ઘરે તપાસ કરતાં અંદરની લાઇટ ચાલુ હતી પરંતુ મકાનની બહારથી તાળુ મારવામાં આવ્યું હતું. પોતાની પત્ની ઘરે નહિ હોવાથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં દરવાજો તોડી તપાસ કરવામાં આવતાં તેમાંથી વર્ષાબેન મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. રોય દંપતિનો મોબાઇલ પણ બંધ આવતો હતો. નાણાની ઉઘરાણીના ઝગડામાં દિનેશ રોય અને તેમની પત્ની અર્પણાએ ભેગા મળી વર્ષાબેનનું ગળુ દબાવી હત્યા કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહયું છે. હાલ તો પોલીસે ફરાર થઇ ગયેલા દંપતિને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.