Connect Gujarat
Featured

સુરત : પાંડેસરામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ, 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં

સુરત : પાંડેસરામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ, 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા 15 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં હતા, ત્યારે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતાં સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું.

મળતી માહિતી અનુસાર, ગત રોજ મોડી રાત્રે પાંડેસરા વિસ્તારના વોર્ડ નંબર 27માંથી પસાર થઈ પાંડેસરા જીઆઇડીસીને જોડતી મનપાની પાણીની પાઈપ લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. જેના પગલે પાણીની પાઇપ લાઇનમાંથી 10થી 15 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં હતા, ત્યારે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણીની પાઇપ લાઇન ફાટતા જ નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં પણ ભારે નુકશાન થયું હતું.

સમગ્ર બનાવની જાણ સુરત મહાનગર પાલિકામાં થતાં જ કતારગામ વોટર વર્કસ શાખાના હાઈડ્રોલિક એન્જિનિયર્સનો સંપર્ક કરી તાત્કાલિક લીકેજ થયેલા પાણીની લાઇનને બંધ કરાવી હતી. ત્યાર બાદ વહેલી સવારે મનપાના કર્મચારીઓએ પાઇપ લાઇનનું સમારકામ હાથ ધર્યું હતું. હાલ તો આ પાણીની લાઇન લગભગ 8થી 10 વર્ષ જૂની હોય અને તેમાં કોઈ વાઇબ્રેશન અથવા તો લીકેજ હોવાના કારણે ભંગાણ સર્જાયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story