Connect Gujarat
Featured

સુરત : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હરિપુરા ગામે યોજાયો “પરાક્રમ દિવસ”, નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરાયા

સુરત : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હરિપુરા ગામે યોજાયો “પરાક્રમ દિવસ”, નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરાયા
X

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે “પરાક્રમ દિન”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે સુરત જિલ્લા ભાજપ દ્વારા પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વીજય રૂપાણી વિશેષ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરિપુરા ચોકમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ ગામમાં સુભાષબાબુના સ્મારકની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. શણગારેલા 51 બળદગાડા સાથે પરંપરાગત આદિવાસી નૃત્યો સહિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જાજરમાન બળદગાડામાં સવાર થઈને મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમ સભા ગજવતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે ‘તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે અંગ્રેજો સામે જંગ છેડી હતી.

‘જીવીશુ તો દેશ માટે, મરીશુ તો દેશ માટે’ના જીવન મંત્ર સાથે સુભાષબાબુએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, તેમ જણાવી મુખ્યમંત્રીએ સુભાષબાબુ જીવતા હોત તો ઈઝરાઈયલની જેમ સમગ્ર દેશ માથુ ઊચું કરીને જીવી રહ્યો હોત તેમ વધુમાં જણાવ્યું હતું. કાર્યક્રમ વેળા મુખ્યમંત્રી વીજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર સાથે કહ્યું હતું કે, પરિવારવાદની જનક કોંગ્રેસે દેશની આઝાદીના મહત્વના સ્વાતંત્ર સેનાનીઓ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ શર્મા સહિતના નેતાઓનું યોગદાન ભુલાવી દીધું હતું. પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવતા સમગ્ર દેશનું નામ વિશ્વ ફલક પર ઉજાગર થયું છે.

Next Story
Share it