Connect Gujarat
Featured

સુરત : હવે, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો ખેર નહીં, જુઓ પોલિસ કમિશનરે શું કહ્યું..!

સુરત : હવે, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો ખેર નહીં, જુઓ પોલિસ કમિશનરે શું કહ્યું..!
X

સુરત શહેર કમિશનર કચેરી ખાતે પોલિસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં 38મી શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સુરત ખાતે પોલિસ કમિશનરની વડપણ હેઠળ લેવાયેલાં નિર્ણય અનુસાર, હવે રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરનાર વાહનચાલકનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. તો વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઇસન્સ રદ્દ કરાશે. ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 38મી શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.

સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા ગંભીર અકસ્માતોમાં 282 અને આ વર્ષે 141 વાહનચાલકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ટ્રાફિક પોલિસની અસરકારક કામગીરી, લોકજાગૃત્તિ સાથે કોરોના મહામારીમાં અમલી થયેલા લોકડાઉનમાં વાહનવ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડંટનું પ્રમાણ ઓછુ થવાં પામ્યું છે. વધુમાં ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારોમાં ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોવાથી ટ્રાફિક કામગીરી સઘન બનાવવામાં આવશે.

લોડીંગ રિક્ષા, માલવાહક ટેમ્પોની પાર્કિંગ સમસ્યાને નિવારવા ટેક્ષટાઈલ એસોસિએશન અને વ્યાપારીઓ સાથે બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ઊભી થાય તેવું ઝડપી આયોજન કરાશે. જેમાં બ્લેક સ્પોટ, ટ્રાફિક, જીવલેણ અકસ્માતો, દંડનીય કાર્યવાહી, ઈ-મેમો જેવા ડેટાબેઝના અભ્યાસના આધારે આગામી નવા વર્ષમાં ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે. જોકે સૌથી વધુ અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઈડેન્ટીફાય કરી અકસ્માતો અટકાવવાં માટેનું નક્કર આયોજન કરવું, શૈક્ષણિક, ધાર્મિક, આનંદ પ્રમોદના સ્થળો તેમજ રોડ જંકશન સ્થળોએ સ્પીડ બ્રેકર તથા ઝેબ્રા ક્રોસિંગ બનાવવા અને ઝાંખા થઈ ગયેલા હોય તો રંગકામ કરાવવું, ફૂટપાથ અને રસ્તા પરના દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવું તેમજ માર્ગ સલામતિ માટે જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમો તથા કાયદા સબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને કાઉન્સિલના સભ્ય સચિવ ડી.કે.ચાવડાએ તમામ સભ્યોને આવકારી ગત બેઠકમાં લેવાયેલાં નિર્ણયોની પૂર્તતાનોંધનું વાંચન કરી બેઠકના એજન્ડા અંગે જાણકારી આપી હતી.

તો સાથે જ પોલિસ કમિશનરએ આવનારા નવા વર્ષ 2021માં નવા જોમ અને ઉત્સાહ સાથે કાર્યાયોજન કરી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણમાં સુધાર અને બદલાવ જોવા મળે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ સંદર્ભે તેમણે પોલિસ વિભાગ અને મનપા વચ્ચે બહેતર સંકલન સાથે સુનિયોજિત કામ કરવા માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

Next Story