Connect Gujarat
Featured

સુરત : લોકડાઉને વધારી ગરીબોની હાડમારી, કલાકો સુધી રાહ જોયા બાદ નસીબ થાય છે ભોજન

સુરત :  લોકડાઉને વધારી ગરીબોની હાડમારી, કલાકો સુધી રાહ જોયા બાદ નસીબ થાય છે ભોજન
X

સુરતમાં રોજગારી માટે આવેલાં હજારો પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉનના કારણે અટવાય પડયાં છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું ભોજન મેળવવા માટે તેમને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં ઉભા રહેવું પડે છે.

કાપડ અને હીરાની નગરી ગણાતી સુરતમાં ગરીબોને પેટનો ખાડો પુરવા માટે અસહય યાતનાઓ વેઠવી પડી રહી છે. મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતું ભોજન મેળવવા લોકો ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. રીકશા સહિતના વાહનો બંધ હોવાથી તેઓ અંગ દઝાડતી ગરમીમાં પગપાળા ભોજન વિતરણ કેન્દ્રો ખાતે આવે છે.

ગરીબ અને શ્રમજીવી લોકો ભોજન મેળવવા માટે વિતરણ કેન્દ્ર ખાતે પહોંચી જાય છે પણ ત્યાં લોકોની કતાર પહેલેથી જ લાગી ચુકી હોય છે. ગામડાઓમાં જયારે પાણીનું ટેન્કર આવે અને બેડાની લાઇનો લાગે છે તેવી ટીફીનની લાઇનો હાલ સુરતમાં જોવા મળી રહી છે. આકાશમાંથી સુર્યનારાયણ અગનગોળા વરસાવી રહયાં છે ત્યારે જઠરનો અગ્નિ ઠારવા લોકો આકરા તાપમાં પણ લાઇનોમાં ઉભા રહે છે.

સુરતમાં રોજગારી માટે આવેલાં હજારો શ્રમજીવીઓ પોતાના વતનમાં પરત જવા માંગે છે પણ ટ્રેનો અને બસો બંધ હોવાથી તેઓ અટવાય પડયાં છે. ધંધા અને રોજગાર બંધ હોવાથી તેમના ઘરોમાં ચુલો સળગી શકે તેવી સ્થિતિ નથી જેના કારણે તેઓ ભોજન માટે બીજા પર નિર્ભર બની ગયાં છે.

આપના સ્ક્રીન પર દેખાતી 12 વર્ષની કિશોરીનું નામ છે દીપાલી દેવા વણઝારા.દીપાલી તેના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે મૂળ રાજસ્થાનની વતની છે. અમદાવાદ ખાતે રોજી-રોટી કમાવવા આવ્યા હતાં. દીપાલીના પરિવારમાં સુરત ખાતે લગ્ન હતા દીપાલી સગા સંબંધી સાથે એકલી સુરત આવી પહોંચી હતી. કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવતાં લગ્ન પણ રદ થઇ ગયાં છે અને દિપાલી સુરતમાં તેના સંબંધીને ત્યાં જ અટવાય પડી છે. આવા તો અનેક કિસ્સાઓ છે જેથી સરકારે શ્રમજીવીઓ પોતાના વતન પરત જઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

Next Story