Connect Gujarat
Featured

સુરત : માંડવી ખાતે રૂ. 570 કરોડના ખર્ચે સાકાર થયેલી પાઇપલાઇન યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

સુરત : માંડવી ખાતે રૂ. 570 કરોડના ખર્ચે સાકાર થયેલી પાઇપલાઇન યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 570 કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ 89 ગામોના 49,500 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળવા જઈ રહ્યો છે, ત્યારે યોજનાના પગલે ખેડૂત પરિવારોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણરૂપ યોજનામાં કુલ 32 કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં અહીના ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યા હતા, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધરાયું હતું. જોકે, વર્ષ 2017માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દ હસ્તે થયું હતું.

કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી 500 ક્યુસેક્સ પાણી ઉપાડી 10 ફૂટ વ્યાસની એટલે કે, ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપલાઇનથી ગોરધા વીયર અને ગોરધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ જ પાણી કુલ 368 ફૂટ જેટલી એટલે કે, 37 માળના મકાન જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે. ઉકાઇ જળાશયમાં દર વર્ષે વિપુલ જથ્થામાં પાણી આવે છે. જેથી આ યોજના મારફત માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇથી વંચિત વિસ્તારોમાં પુરતા જથ્થામાં સિંચાઇ માટે પાણી આપી શકાશે. યોજનામાં પાઇપલાઇનની નજીક આવતા 6 કોતરોમાં પાણી નાખી 30 ચેકડેમ ભરાશે. જોકે 3 મધ્યમ ડેમ ગોરધા વીયર, લાખીગામ ડેમ અને ઇસર ડેમ પણ આજ જળાશયથી ભરવામાં આવશે, ત્યારે લોકાર્પણ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સાંસદ પરભુ વસાવાએ સભા સંબોધતા ભૂતકાળની સરકાર પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને આદેહાથે લીધી હતી.

Next Story