Connect Gujarat
Featured

સુરત : સોસિયો સર્કલ નજીક માર્ગ પર લાખો લિટર પાણી વહેતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, જુઓ મનપાના અધિકારીએ શું કહ્યું..!

સુરત : સોસિયો સર્કલ નજીક માર્ગ પર લાખો લિટર પાણી વહેતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, જુઓ મનપાના અધિકારીએ શું કહ્યું..!
X

સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આવેલ સોસિયો સર્કલ નજીક પાણીની લાઈનમાંથી લાખો લિટર પાણી રસ્તા પર વહ્યું હતું, ત્યારે પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ અંગે મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, પાઈપલાઇનમાં રહેલી ગંદકીને દૂર કરવા માટે કામગીરી ચાલતી હોવાથી માર્ગ પર પાણીનો ભરાવો થયો છે.

સુરત શહેરના સોસિયો સર્કલ નજીક માર્ગ પર પાણીની લાઈનમાંથી પ્રેશર સાથે પાણી બહાર આવતાં જાણે ચોમાસાની જેમ માર્ગ પર પાણી ભરાયું હતું, ત્યારે માર્ગ પર પાણી ભરાતાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો સાથે જ અનેક રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે મનપાના હાઈડ્રોલિક વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, હાલ અઠવા વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પાણી લઈ જવા માટે ખટોદરાથી અલથાણ સુધીની 1200 મીમી વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જોકે મનપા દ્વારા કામકાજના સમયે જ પાઈપલાઈન સાફ કરાતા માર્ગ પર પાણીનો વેડફાટ થયો હતો. જેના પગલે વાહનચાલકો સહિત રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story