Connect Gujarat
Featured

સુરત : ટેકસટાઇલ માર્કેટમાં 80 ટકા ઓર્ડર ઘટયા, પણ વેપારીઓનો જુસ્સો અકબંધ

સુરત : ટેકસટાઇલ માર્કેટમાં 80 ટકા ઓર્ડર ઘટયા, પણ વેપારીઓનો જુસ્સો અકબંધ
X

કોરોના વાયરસના કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં મંદીના ભણકારા વાગી રહયાં છે. દેશ તથા વિદેશમાંથી મળતાં 80 ટકા ઓર્ડર રદ થઇ ગયાં હોવા છતાં વેપારીઓનો જુસ્સો અકબંધ જોવા મળી રહયો છે. ટેકસટાઇલ ઉદ્યોગમાં રોજનું 250 કરોડ રૂપિયાથી વધારેનું ટર્નઓવર થાય છે.

સિલ્ક સિટીના હુલામણા નામથી પ્રખ્યાત બનેલા સુરતમાં હાલ કોરોના વાયરસની સીધી અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાય ગયો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 150 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે. સુરતના ટેકસટાઇલ માર્કેટમાં ખરીદી માટે આવતાં વેપારીઓ હવે ગભરાય રહયાં છે. દેશ તથા વિદેશના 80 ટકા ઓર્ડર રદ થઇ ગયાં છે. આવી જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં સંગ્રહખોરી સહિતની સમસ્યાઓ જોવા મળશે.

કોરોના વાયરસના કારણે ભલે મંદીનો માહોલ થવા જઇ રહયો છે પણ વેપારીઓ હજી પણ જાન હે તો જહાન હે.. કહી જુસ્સો અકબંધ રાખી રહયાં છે. લગ્ન તથા શુભ પ્રસંગો પર રોક લાગી જતાં વેચાણમાં ઘટાડો થયો છે.

છેલ્લા બે વર્ષથી જીએસટી આવ્યા બાદથી જ વેપાર ઓછો થયો છે ત્યારે હવે કોરોનાનું ગ્રહણ ટેક્સટાઇલ વ્યવસાય ઉપર પડતા વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આગામી દિવસોમાં જો આજ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે તો વ્યાપારીઓને રાતે પાણી ન્હાવાનો વારો આવે તેવા એંધાણ વર્તાઇ રહયાં છે.

Next Story