સુરત : ફીટનેસ સર્ટી માટે વાહનચાલકોનો ધસારો : માસમા ખાતે આવે છે રોજ 300થી વધારે વાહનો

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અને દંડની જોગવાઈ અમલમાં લાવાતા જ વાહન ચાલકોમાં ચિંતા વધી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરતના માસમાં ગામ નજીક આરટીઓ દ્વારા વાહનોના ફિટનેસ ચેક કરવા માટે આધુનિક “ફિટનેસ સેન્ટર” બનાવવામાં આવ્યું છે.
રાજયભરમાં ટ્રાફિકના નવા નિયમો અને દંડની જોગવાઈ અમલમાં આવાતા જ વાહન ચાલકો પોતાના વાહનોના તમામ દસ્તાવેજો અને પોતાનું લાયસન્સ વ્યવસ્થિત છે કે નહીં તેની તજવીજમાં લાગી ગયા છે. ત્યારે સુરતના માસમાં ગામ નજીક આરટીઓ દ્વારા વાહનોના ફિટનેસ ચેક કરવા માટે “ફિટનેસ સેન્ટર”નું સંચાલન કરવામાં આવી રહયું છે. અત્યાર સુધી “ફિટનેસ સેન્ટર”માં રોજ માંડ 30થી 40 વાહનો આવતા હતા, પરંતુ જ્યારથી કાયદાનો કડક અમલ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારથી વાહન ચાલકો પણ જરૂરી પુરાવાઓને યોગ્ય કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. સુરતના માસમાં ગામ નજીક “ફિટનેસ સેન્ટર”માં રોજ 300 જેટલા વાહન ચાલકો પોતાના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આવી રહ્યા છે. ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થતા વાહનોને રીપેર કરી ફરી વાહનના ફિટનેસ ટેસ્ટ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.