Connect Gujarat
Featured

મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરી કરાયો ફીંગર ટેસ્ટ, જુઓ કયાં બની ઘટના

મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરી કરાયો ફીંગર ટેસ્ટ, જુઓ કયાં બની ઘટના
X

ભુજની સહજાનંદ કોલેજમાં માસિક ધર્મની તપાસ માટે છાત્રાઓને નિર્વસ્ત્ર કરવાની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કલાર્કને કાયમી કરવા માટે લેવાયેલો ફીઝિકલ ટેસ્ટ વિવાદમાં સપડાયો છે. મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના વિશે જુઓ આ અહેવાલ…….

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કલાર્કને કાયમી કરવા માટે લેવાયેલા ફીઝિકલ ટેસ્ટના કારણે વિવાદમાં આવી છે. કર્મચારી યુનિયને મ્યુનિસિપલ કમિશ્નરને કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ત્રણ વર્ષ પહેલાં તાલીમાર્થી કલાર્કની ભરતી કરવામાં આવી હતી. આ તાલીમાર્થી કલાર્કોને કાયમી કરવા માટે ફીઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફીંગર ટેસ્ટ કરી અંગત સવાલો પુછવામાં આવ્યાં હતાં.

મહાનગરપાલિકા કર્મચારી યુનિયનના આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, મહિલા કર્મચારીઓને પ્રેગનન્સી અને પિરિયડ બાબતના અંગત સવાલો કરવામાં આવ્યા હતાં. વિવાદ વકરતાં મહાનગર પાલિકા સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. કર્મચારી યુનિયને કરેલી ફરિયાદની સત્યતાની ચકાસણી માટે તાત્કાલિક અસરથી તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે.

ભાજપ શાસિત મહાનગર પાલિકામાં વિવાદ હોય અને તેમાં વિપક્ષ ન ઝંપલાવે તેવું બને નહી. એટલે વિપક્ષે પણ આ તકનો લાભ લઇને શાસકો પર પ્રહારો કર્યા છે. વિપક્ષે જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીઓની સામૂહિક રીતે તપાસ કરવી ગેરકાનૂની જ નહીં પરંતુ માનવતા વિરુદ્ધની અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની પણ છે. વિપક્ષના સભ્યોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ભુજની ઘટના બાદ સુરતમાં પણ મહિલાઓને નિર્વસ્ત્ર કરી તપાસની ઘટના સામે આવી છે. રાજયમાં નારી સન્માનને ઠેસ પહોંચાડતી ઘટનાઓ વધી રહી છે જે ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.

Next Story