Connect Gujarat
Featured

સુરત : કોરોનાનાદર્દીની સારવાર કરતી મહિલા તબીબે લગાવ્યો હેરાનગતિનો આરોપ, પોલીસે કરી 2 આરોપીની ધરપકડ

સુરત : કોરોનાનાદર્દીની સારવાર કરતી મહિલા તબીબે લગાવ્યો હેરાનગતિનો આરોપ, પોલીસે કરી 2 આરોપીની ધરપકડ
X

દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સહિતના કર્મચારીઓ માટે દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી મહીલા તબીબની પાડોશીઓ હેરાનગતિ કરતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે અડાજણ પોલીસે 2 પાડોશીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની હેરાનગતિનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા તબીબ કોરોના વાયરસના કારણે પાડોશીઓના રોષનો ભોગ બન્યાં છે. મહીલા તબીબનો આક્ષેપ છે કે, તેઓ હોસ્પિટલમાં અવરજવર કરતાં હોવાથી તેમની સોસાયટીના રહીશોએ તેમને રોક્યા હતાં અને તેઓ તેમના હીટલીસ્ટમાં હોવાનું જણાવી હોસ્પિટલમાં અવરજવર બંધ નહિ કરે તો એક્શન લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ રોજ તેમના પાડોશીઓ તેમના ઘરે આવી તેમને કોરોના વાયરસનો ચેપ તો નથી લાગ્યો ને જેવી બાબતોની પુછપરછ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી પીડીત દર્દીઓની સેવા કરતાં તબીબોને લોકો માન અને સન્માનની નજરે જોઇ રહ્યા છે, ત્યારે સુરતનો આ કિસ્સો ખરેખર માનવતા પર લાંછન સમાન ગણી શકાય તેમ છે. સમગ્ર મામલે મહિલા તબીબ ડો. સંજીવની પાણીગ્રહીએ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે મહિલા તબીબની ફરિયાદના આધારે તેમના પાડોશી ચેતન મહેતા અને ભાવના મહેતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story