Connect Gujarat
ગુજરાત

સુરતી મહિલાએ હૃદયની સાથે અંગદાન કરતાં ચાર લોકોને મળ્યું નવજીવન

સુરતી મહિલાએ હૃદયની સાથે અંગદાન કરતાં ચાર લોકોને મળ્યું નવજીવન
X

ગુજરાતમાં હાર્ટ ડોનેશનમાં સુરત સૌથી આગળ, 20 હ્રદયના દાન કરીને મહેકાવી માનવતાં

હાર્ટ ડોનેશનમાં સૌથી આગળ રહેલા સુરતમાંથી છેલ્લા 34 મહિનામાં 20 હ્રદય દાન કરવામાં આવ્યાં છે. આજે વિશ્વ હ્રદય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે એક બ્રેઈનડેડ મહિલાનાં હાર્ટ સાથે ઓર્ગન ડોનેશનથી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ મહિલાનું હ્રદય મુંબઈની શ્રધ્ધા કનોજીયામાં સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લગ્નના માત્ર 6 મહિનામાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર પરિણિતા કોમામાં સરી જતાં અંગદાનનો નિર્ણય તેમનાં પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, 30 એપ્રિલ 2018ના રોજ સોનાલીનાં લગ્ન રોબિન સાથે થયા હતા. ગત રક્ષાબંધનના પર્વને લઈને પિયર ગયેલી સોનાલીએ 24મી એ બપોરે ઘરમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સોનાલીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

5 દિવસની સારવાર દરમ્યાન સોનાલીનું બ્રેન ડેડ થઈ ગયું હતું. જેને લઈ સિવિલના તબીબોએ અંગદાન બાબતે જાગૃતતા આપી સોનાલીને જીવતી રાખવાનો વિકલ્પ બતાવ્યો હતો. જોકે ફીનાઇલ પોઇઝન કેસમાં અંગદાન કરવા પહેલા કેટલાક લોહીના રિપોર્ટ કઢાવવા જરૂરી હતા. સોનાલીના તમામ રિપોર્ટ સારા આવતા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી સોનાલીના હ્રદયને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલ ખાતે શ્રધ્ધા ક્નોજીયામાં સફળતાં પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાવમાં આવ્યું હતું. સુરતમાંથી થયેલા હાર્ટ ડોનેટમાં આ 20મું હાર્ટ હતું જે અન્ય મહિલાનાં શરીરમાં ધબકતું થયું છે.

તમામ પ્રોસેસ ફાઇનલ થઈ ગયા બાદ શુક્રવારના રોજ સોનાલીના હાર્ટ, કિડની અને લીવરનું દાન કરી બ્રેન ડેડ સોનાલીએ 4 લોકોને નવું જીવન આપ્યું છે. ત્યારબાદ મોડી સાંજે સોનાલીએ લગભગ 5:30 વાગે છેલ્લો શ્વાસ લીધા બાદ મોતની ચાદર ઓઢી લીધી હતી. હાલ ઉધના પોલીસે આ કેસમાં પોસ્ટ મોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story