સુરત : જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં છે,“મહિલાઓની ગ્રામ પંચાયત”

સુરત જીલ્લામાં એક એવી પંચાયત છે કે, જ્યાં આખે આખી પંચાયતમાં મહિલાઓ સભ્ય છે. સરપંચ, ઉપ સરપંચથી માંડીને તમામ ગ્રામ પંચાયતના તમામ સભ્યો છે મહીઅલાઓ. ગામનો વિકાસ પણ આંખને ઉડીને વળગે તેવો છે. તો ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ “મહિલાઓની પંચાયત”
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગામની ગ્રામ પંચાયત કચેરી મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે. કારણ એ છે કે, સરપંચ, ઉપ સરપંચથી લઇ તમામ ગ્રામ પંચાયતના સભ્યો અહી મહિલાઓ જ છે. ગત ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘધ્ર્ષ્ટિને કારણે ગામ સમરસ થયું હતું અને જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ નહી ડહોળાય તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવી બિન હરીફ કરી સમરસ ગ્રામ પંચાયત કરી હતી.
જોકે ગામના આગેવાનોની સલાહ પણ કામ લાગી અને મહિલાઓની પંચાયત અને સમરસ પંચાયત હોવાના કારણે સરકાર તરફથી અલુરા ગામને લાભો પણ વધુ મળવા લાગ્યા. ગામના વિકાસના કામોને તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતમાં પણ પ્રાથમિકતા મળવા લાગી. આજની પરિસ્થિતિની વાત કરીએ તો, અલુરા ગામમાં વિકાસ આંખે ઉડીને વળગે તેવો જોવા મળે છે. ઉપરાંત પંચાયતની ટર્મ પૂરી થતા સુધી ગામમાં કોઈ વિકાસના કામ અધૂરા નહિ રહે તેમ જણાઈ રહ્યું છે.
અલુરા ગામમાં કુલ ૮ પંચાયતની બેઠકો છે, જે પૈકી ૬ બેઠકો એસટી, એસસી છે. ડેપ્યુટી સરપંચ તો પોતે પંચાયતની ફરજ સાથે સાથે જીવન નિર્વાહ ચલાવવા ખેત મજુરી કરે છે. તમામ મહિલાઓ પોતાના ઘરની જવાબદારી બાદ પંચાયતની વિશેષ જવાબદારી નિભાવી રહી છે, ત્યારે અલુરા ગ્રામ પંચાયતના મહિલા સભ્યોની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.