Connect Gujarat
Featured

સુરત : ઓલપાડ અને ચોયાર્સી તાલુકામાંથી શ્રમિકોને ખસેડાયા સલામત સ્થળે

સુરત : ઓલપાડ અને ચોયાર્સી તાલુકામાંથી શ્રમિકોને ખસેડાયા સલામત સ્થળે
X

અરબી સમુદ્રમાં ઉત્પન થયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ અને ચોયાર્સી તાલુકામાં કાંઠા વિસ્તારમાં રહેતાં લોકોને સાવધ રહેવા સુચના આપવામાં આવી છે. બંને તાલુકામાં ઝીંગાના તળાવો પર કામ કરતાં શ્રમજીવીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યાં છે.

ગુજરાતમાંથી નિસર્ગ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે પણ વહીવટી તંત્ર કોઇ કચાશ રાખવા માંગતું નથી. સુરત જિલ્લાના ઓલપાડ અને ચોયાર્સી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. ડીડીઓ હિતેશ કોયાએ તેમની ટીમ સાથે વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને વાવાઝોડાથી બચવા માટે શું પગલા ભરવા તેની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે લોકોને દરિયા કિનારા પર નહિ જવા સુચના આપી હતી. ખાસ કરીને દાંડી ગામના દરિયા કિનારે આવેલા ઝીંગાના તળાવો ના મજૂરો ને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

બીજી તરફ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સુરતના કલેકટર ધવલ પટેલે પણ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરિયા કિનારાથી એક થી ત્રણ કીલોમીટરના વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહયાં છે. વાવાઝોડાથી નુકશાન તથા જાનમાલની હાનિ અટકાવવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો પણ આવી ચુકી છે.

મંગળવારે બપોરે રાજયના હવામાન વિભાગે વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે પણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર હજી સર્તક છે અને તકેદારીના પુરતા પગલાં ભરી રહયું છે

Next Story