Connect Gujarat
સુરત 

સુરત : ફીલરે પેટ્રોલિયમ મંત્રીની ગાડીમાં જ મારી ડીઝલની "કટ", મંત્રીએ પેટ્રોલપંપ કરાવી દીધો સીલ...

સુરત : ફીલરે પેટ્રોલિયમ મંત્રીની ગાડીમાં જ મારી ડીઝલની કટ, મંત્રીએ પેટ્રોલપંપ કરાવી દીધો સીલ...
X

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યં્ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ખુદ પેટ્રો કેમિકલ મંત્રીના જ વાહનમાં ડીઝલ પ્રમાણ કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતાં કલેક્ટરના હુકમથી તાત્કાલિક ધોરણે તોલમાપ ખાતા દ્વારા પેટ્રોલ પંપને સીલ મારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જહાંગીરપુરા વિસ્તારમાં નિયારા કંપની દ્વારા નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોએ છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ કરી હતી કે, તેમના દ્વારા કટ મારવામાં આવે છે. ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ-પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે, એના કરતા ઓછું ટેન્કમાં ભરતા હોવાની ફરિયાદ હતી. જોકે, પેટ્રો-કેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પણ પોતાનું વાહન લઈને પહોંચ્યા હતા અને તેમણે પણ ડીઝલ ભરાવ્યું હતું. જોકે, ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવી સ્ટોક મેઇન્ટેન કરવાનું રજિસ્ટર તપાસતા એમાં આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. છેલ્લા 3-4 દિવસથી આ રજિસ્ટર કોઇપણ પ્રકારના સ્ટોકની માહિતી લખવામાં આવી ન હતી, જે ગંભીર બેદરકારી બદલ જિલ્લા કલેક્ટરને આ મામલાની જાણ કરવામાં આવી હતી, ત્યારે પેટ્રોલ પંપના સંચાલકની ગંભીર બેદરકારીના પગલે પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગની ટીમે તાત્કાલિક અસરથી પેટ્રોલ પંપને સીલ કર્યો હતો. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપના સંચાલકો સતર્ક થઈ જાય કે, જેઓ ગ્રાહકો સાથે જરા પણ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરશે તો તેઓ વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

Next Story