Connect Gujarat
સુરત 

સુરત : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરાની ચમકને "અસર", વેપારી ચિંતામાં..!

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે.

X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે.

છેલ્લા 45 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાના અનેક દેશોને વેપાર ધંધામાં અસર થઈ છે, ત્યારે ભારત અને તેમાં પણ હવે ગુજરાત બાકાત રહ્યું નથી. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે ચિંતા પેસી ગઈ છે. ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશમાં 30 ટકા રફ હીરાની આયાત રશિયાથી થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં થોડા દિવસ પહેલા રશિયાની રફ માઇનિંગ કંપની એલરોઝા દ્વારા સુરત ડાયમંડ બુર્સને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું હતું. પરંતુ 2 દિવસ પહેલા જ હીરા ઉદ્યોગમાં 70 ટકા ભાગીદારી ધરાવતા અમેરિકાએ રશિયાની એલરોઝા કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે.

રફ હીરાના ભાવ વધશે તો ઇકોનોમી પર તેની ઘેરી અસર પડવાની પણ ભીતિ વ્યક્ત કરાય છે. સાથોસાથ જો બેન્કિંગ સેવાઓ બંધ થાય તો વ્યાપાર પર માઠી અસર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. રશિયાનો ડાયમંડ ઉદ્યોગ 4.5 બિલિયન ડોલર છે, જ્યારે ભારતમાં દર મહિને 400 મિલિયન ડોલરના રફ હીરાની આયાત કરવામાં આવે છે. જોકે, છેલ્લા 5 દિવસથી રાષ્ટ્રીયકૃત બેન્કો સિવાય અન્ય બેન્કો જ પેમેન્ટ કરતી હતી, જે સર્ક્યુલેશન અટકી પડતાં સુરતના હીરા વેપારી મુંઝવણમાં મુકાયા છે. ભારતમાં હીરા ઉદ્યોગ સાથે લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓ જોડાયા છે, ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને તેની સીધી અસર થઈ છે.

Next Story