સુરેન્દ્રનગર : સાયલા આંગડિયા પેઢીમાં ૬.૯૪ લાખની લૂંટમાં મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા હાઇવે પર ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીમાં થયેલ લૂંટના આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર સંતોષ કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલ આર.કે. આંગડિયા પેઢીમાં ગત તા. ૧૬મી સપ્ટેમ્બરના રોજ ૬.૯૪ લાખની લૂંટની ઘટના બની હતી. બનાવ સંદર્ભમાં આંગડિયા પેઢીના માલિકે સાયલા પોલીસ મથકે લૂંટ અંગે અજાણ્યા પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટુકડીઓ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જેમાં હાઇવે પરની હોટલો અને દુકાનના સીસીટીવી ચેક કરતા લૂંટમાં વપરાયેલ કાર સાયલાથી ફુલગ્રામ, વઢવાણ, જોરાવરનગર થઇ ધ્રાંગધ્રા તરફ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. કારના માલિકની પૂછપરછ કરાતાં તેમાં મયુરસિંહ જાડેજાનું નામ બહાર આવ્યું હતું. તેની અટકાયત કરાતાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળી લૂંટ ચલાવી હોવાની કબુલાત કરી હતી. લૂંટમાં વપરાયેલ રિવોલ્વર, જીવતા કારતુસ અને મોબાઈલ સહિતના મુદ્દામાલને કબ્જે કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.