Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : રણમાં કાળી મજૂરી કરતાં અગરીયાઓ માટે વરસાદ બન્યો “આફત”, જુઓ શું છે કારણ..!

સુરેન્દ્રનગર : રણમાં કાળી મજૂરી કરતાં અગરીયાઓ માટે વરસાદ બન્યો “આફત”, જુઓ શું છે કારણ..!
X

સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠું પકવતા અગરીયાઓની હાલત અત્યંત કફોડી બની છે. રણમાં વરસાદી પાણી ભરાતા મીંઠુ પકવતા અગરીયાઓ હજુ સુધી મીઠાના પાટા કરી શક્યા નથી. જોકે તેઓની મુખ્ય આજીવીકા મીઠું હોવાથી આ વર્ષની સીઝન ફેલ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે, ત્યારે ખેડૂતોની જેમ રાજ્ય સરકાર દ્વારા અગરીયાઓને પણ સહાય મળે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જીલ્લાને અડીને આવેલ કચ્છના નાના રણમાં ધ્રાંગધ્રા તાલુકાના કુંડા, ઝીંઝુવાડા, ખારાઘોડા, પાટડીના રણ વિસ્તારમાં અંદાજે દેશનું 50% મીઠું અગરીયાઓ દ્વારા રણમાં પાટા કરીને પકવવામાં આવે છે. અગરીયાઓ રણમાં 6 મહિના સુધી મીઠું પકવતા હોય છે. ભર ઉનાળે પણ રણમાં 50 ડીગ્રી તાપમાનમાં કાળી મજુરી કરીને મીઠું ઉત્પન્ન કરતા હોય છે. પરંતુ પકવેલું મીઠું વેપારીઓ દ્વારા એક પટના રૂપિયા 350ના ભાવે ખરીદ કરવામાં આવે છે. હાલ પાછોતરો વરસાદ પડતા રણમાં પાણી ભરાઇ જતાં અગરીયાઓ ટ્રેકટર સહિતની સામગ્રી લઇને રણમાં જઇ શકતા નથી. હાલ રણમાં પાણી ભરાયેલા હોવાથી અગરીયાઓ બેકારીના ખપ્પરમાં હોમાયા હોય તેવી તેમની હાલત થઈ છે. એક તરફ કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા ગત વર્ષનું ઉત્પન્ન કરેલ મીઠું પણ હાલ અગરીયાઓ પડ્યું છે. તેમજ આ વર્ષે જ્યારે સીઝન આવી, ત્યારે રણમાં પાણી ભરાઈ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા જેમ ખેડૂતોની ખેતી નિષ્ફળ જતા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, તેમ અગરીયાઓ પણ એક જાતના મીઠું પકવતા ખેડૂતો જ છે, ત્યારે અગરીયા હીત રક્ષક સમિતિ સહિતના આગેવાનોએ પણ અગરીયાઓને સરકાર દ્વારા રાહત પેકેજની સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે. પરંતુ હજુ દિવાળી સુધી રણમાં પાણી નહી સુકાઇ ત્યાં સુધી અગરીયાઓ રણમાં જઇ શકશે નહિ. જેથી હાલ સુરેન્દ્રનગર જીલ્લાના અગરીયાઓની હાલત કફોડી બની છે. અગરીયાઓ રોજીરોટી વગર જીવન નિર્વાહ કરવા મજબુર બન્યા છે. જે અગરીયાઓ દેશવાસીઓના ભોજનને મીઠા રૂપી મીઠાસ આપે છે, તે અગરીયાઓ માટે મીઠું હવે કડવું બન્યું હોય તેવું વર્તાઇ રહ્યું છે.

Next Story