સુરેન્દ્રનગર : ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો યુવાન, કોલેજીયન યુવાન પાસે નથી લાયસન્સ

આજથી રાજ્યમાં અમલ થતા નવા ટ્રાફિકના નિયમોથી પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના એક યુવાન દ્વારા નવી જ પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક દંડથી બચવા માટે કોલેજ કરતો યુવાન ઘોડા ઉપર સવાર થઈને બજારમાં ખરીદી કરવા આવતા એક સમયે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
આજથી રાજ્યભરમાં ટ્રાફીક અંગેના નવા નિયમો લાગુ થઈ ગયા છે. વાહન ચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. પરંતુ ટ્રાફીકના નવા નિયમો સામે રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પણ થવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રહેતા ક્રિષ્નસિંહ ઝાલા કે જેમની પાસે વાહન ચલાવવા માટે લાયસન્સ નથી અને નિયમનો ભંગ થાય તો દંડ પોસાય તેમ નથી, માટે તેઓ ઘરેથી પોતાનો ઘોડો લઈને બજારમાં શાકભાજીની ખરીદી કરવા માટે આવી પહોચ્યા હતા. જે દ્રશ્યો જોઈ બજારમાં અન્ય લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ઉપરાંત ટ્રાફિકના દંડથી બચવા માટે બજારના અન્ય કાર્યો તેમજ ટ્યુશનમાં અભ્યાસ કરવા માટે પણ ક્રિષ્નસિંહ ઝાલા ઘોડા ઉપર સવાર થઈને જ જાય છે. જ્યારે સરકાર દ્વારા ટ્રાફિક અંગેના નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે તે લોકો માટે સલામતી ભર્યા છે, પરંતુ વાહન ચાલકોને મહદ અંશે થોડી રાહત મળી રહે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી હતી.